ગાંધીનગરમાં મંગળવાર 18 ઓક્ટોબરથી પાંચ દિવસના ડિફેન્સ એક્સ્પોનો પ્રારંભ થયો છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર નેવીના જવાનો હેરતઅંગેજ કરતબો કરશે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા યોજાનારા આ ડિફેન્સ એક્સ્પોમાં આર્મી, નેવી અને ઍરફોર્સ દ્વારા આજથી ૨૨ ઑક્ટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે એક્સ્પોની પૂર્વસંધ્યાએ જણાવ્યું હતું કે, ડિફેન્સ એક્સ્પો 2022 માત્ર ભારતીય કંપનીઓ માટે જ પ્રથમ આવૃત્તિ હશે.ગાંધીનગરમાં કર્ટન રેઝર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા સિંહે જણાવ્યું હતું કે એક્સ્પો દરમિયાન 47 જેટલી નવી પ્રોડક્ટ્સ લૉન્ચ કરવામાં આવશે, જ્યારે કેટલાક 349 મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ ઉપરાંત ટેક્નોલોજી માટે ટ્રાન્સફર ઓફ ટેક્નોલોજી (TOT)ના 18 કોન્ટ્રાક્ટ પર હસ્તાક્ષર કરાશે અને પાંચ દિવસ સુધી ચાલનારા એક્સ્પો દરમિયાન 37 મોટી જાહેરાતો થશે.
ઉદ્ઘાટન સમારોહ અને સેમિનાર ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રદર્શન, સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે જીવંત પ્રદર્શન અને જાહેર જનતા માટે જહાજની મુલાકાત પોરબંદર ખાતે હશે. પ્રથમ ત્રણ દિવસ (ઓક્ટોબર 18 થી 20) કામકાજના દિવસો હશે, જ્યારે છેલ્લા બે દિવસ (21 અને 22 ઓક્ટોબર) જાહેર જનતા માટે આરક્ષિત કરવામાં આવ્યા છે.
ડિફેન્સ મિનિસ્ટ્રીનુ કહેવું છે કે આ એક્સપો સૌથી મોટો છે જેમાં 1,340 કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બુધવારે ઈન્ડિયા પેવેલિયનનુ ઉદ્ધાટન કરવાના છે. જેમાં હથિયારો સિવાય ડ્રોન અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનિકને પણ બતાવવામાં આવશે. અધિકારીઓનુ કહેવુ છે કે આ એક્સપોમાં કુલ 75 દેશો તરફથી ભાગ લેવામાં આવશે.