ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડે સોમવારે નિવૃત આઇપીએસ અધિકારીને બ્લેકમેઇલ કરવાના અને રૂ.8 કરોડની ખંડણી માગવાના આરોપ હેઠળ ભાજપના એક નેતા સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓએ એક મહિલા પર રેપની ખોટી એફિડેટિવ જાહેર કરવાની ધમકી આપી હતી.
એક મહિલાએ એફિડેટિવ કરી હતી કે નિવૃત આઇપીએ અધિકારીએ તેના પર બળાત્કાર કર્યો છે. આ એફિડેટિવ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ એટીએસ એક્શનમાં આવી હતી. આરોપીઓની ઓળખ માસ્ટરમાઇન્ડ તથા ભાજપના નેતા અને બક્ષીપંચ મોરચાના અગ્રણી ગાંડાભાઇ કચરાભાઇ પ્રજાપતિ, હરેશ જાદવ અને મહેન્દ્ર પરમાર તથા ગાંધીનગર ખાતેન જર્નાલિસ્ટ આશુતોષ પંડ્યા અને કાર્તિક જાની તરીકે થઈ હતી.
આ ટુકડીએ સિનિયર આઇપીએસ અધિકારીને બદનામ કરવાની ધમકી આપી રૂ. આઠ કરોડ પડાવવાનો કારસો ઘડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ ટુકડી દ્વારા મહિલાના સોગંદનામાની કોપી અને તેનો એક વીડિયો વાયરલ કરી પોલીસ અધિકારી પર દબાણ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.
આ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે જે કે પ્રજાપતિનું નામ બહાર આવ્યું છે. પ્રજાપતિ ભાજપ બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય હોવાથી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની સૂચનાથી મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ એમને તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા.