અમેરિકાના ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં શુક્રવારે 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા નોંધાયા હતાં. ભૂકંપના આંચકાને પગલે યુનાઇટેડ નેશન્સની ગાઝાની સ્થિતિ અંગે ચર્ચા કરવા યોજાયેલી સલામતી સમિતિની બેઠક સ્થગિત કરવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ ન્યૂયોર્કમાં 10 કિ.મી. પેટાળમાં નોંધાયું હોવાનું યુરોપીયન મેડિટેરિયન સીસ્મોલોજિકલ સેન્ટર (ઈએમએસસી)એ જણાવ્યું હતું. યુએસજીએસના જણાવ્યાં મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉત્તરપૂર્વ લેબેનોન, ન્યૂજર્સી ખાતે નોંધાયું હતું, જે ન્યૂયોર્ક શહેરથી આશરે 50 માઈલના અંતરે છે. ભૂકંપને કારણે લોકો પોતાના ઘર, ઓફિસોમાંથી રસ્તા પર દોડી આવ્યાં હતાં. ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે જણાવ્યું હતું કે, તેમની ટીમ ભૂકંપને કારણે થયેલાં નુકસાનની સમીક્ષા કરી રહી છે. જોકે પ્રારંભિક માહિતી અનુસાર તેનાથી ખાસ નુકસાન નહીં થયું હોવાનું જાણવા મળ્યું હતું.