બ્રિટનના ઇતિહાસમાં સૌથી મોટા રસીકરણ કાર્યક્રમના ભાગ રૂપે યુકેમાં NHSએ તા. 8 ડિસેમ્બરથી તા. 17 જાન્યુઆરીની વચ્ચે કુલ 4.06 મિલિયન લોકોને રસી આપી હતી, જેમાંના અડધાથી વધુ લોકો 80 અને તેથી વધુ વયના અને કેરહોમના વૃદ્ધ રહેવાસીઓ હતા. જે કોઈપણ યુરોપિયન દેશની તુલનામાં, પ્રતિ વ્યક્તિ દીઠ રસીકરણની સંખ્યા કરતા બમણાથી વધુ છે. આ રસીકરણ કાર્યક્રમને નવા ખોલવામાં આવેલા 10 નવા રસીકરણ કેન્દ્રોથી વેગ મળશે.
ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં ટોચનાં ચાર અગ્રતા જૂથોને રસી આપવાના વડા પ્રધાનના લક્ષ્યાંકને સિધ્ધ કરવા તરફનું આ એક મહત્વપૂર્ણ પગલું છે. આશરે 15 મિલિયન લોકોનાં આ જૂથમાં કોવિડનાં કારણે લગભગ 88% લોકોના મૃત્યુ થાય છે. તેથી તેમના જીવન બચાવવા અને એનએચએસનાં રક્ષણ માટે આ રસી નિર્ણાયક ભૂમિકા નિભાવશે.
ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં બોલતા, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે “બ્રિટીશ ઇતિહાસમાં આ સૌથી મોટી તબીબી અને દેશની અત્યાર સુધીની સૌથી મોટી નાગરિક કામગીરી છે. અમે કોવિડ મૃત્યુના 88% હિસ્સો ધરાવતા સૌથી સંવેદનશીલ જૂથોને ફેબ્રુઆરીના મધ્ય સુધીમાં રસી આપવાની અમારી યોજના પહોંચાડવાના માર્ગ પર છીએ. અમારો અભિગમ, શક્ય તેટલું ઝડપથી અને શક્ય તેટલા વધુ જીવન બચાવવાનો અને NHS પરનું દબાણ ઘટાડવાનો છે. એન.એચ.એસ. દ્વારા ઇંગ્લેન્ડમાં 70 વર્ષથી વધુ વયના અને આરોગ્યની રીતે ખૂબ જ સંવેદનશીલ એવા લોકોને રસી બુક કરાવવા માટે પત્રો મોકલ્યા છે. જેસીવીઆઈએ ભલામણ કરેલા પ્રથમ બે પ્રાધાન્યતા જૂથો કેર હોમ રહેવાસીઓ અને કર્મચારીઓને તથા 80 અને તેથી વધુ વયના અને ફ્રન્ટલાઈન હેલ્થ એન્ડ સોશ્યલ કેર કર્મચારીઓને રસી આપવાનું કામ ચાલુ છે. જે રસીકરણ કેન્દ્રોમાં વધુ લોકોને રસી આપવા માટે પૂરતો પુરવઠો અને ક્ષમતા છે, તેમને આગામી 2 જૂથો – 70 અને તેથી વધુ વયના અને ક્લિનિકલી અત્યંત નબળા લોકોને રસી આપવાની મંજૂરી અપાઇ છે.
ગ્લોસ્ટરશાયર અને દેશના કેટલાક ભાગોમાં, 80 અને તેથી વધુ વયના દર 5 માંથી 4 કરતા વધારે લોકોને પ્રથમ ડોઝ મળ્યો છે. સ્લાઉમા દરેક કેર હોમમાં રહેતા તમામ વૃદ્ધોને પહેલેથી જ રસી આપવામાં આવી છે. સરકાર લોકોને વિનંતી કરી છે કે તેઓ લોકોને રસી લેવા માટે શક્ય તેટલી તમામ મદદ કરે, કોવિડ-19 રસીઓ અને સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ્સમાં જોડાવ અને સતત જાણકારી મેળવતા રહો અને ચોક્કસ તેમજ વિશ્વસનીય સલાહ તથા તથ્યો મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં.