બારામુલ્લા જિલ્લામાં સોપોરમાં મતદાન મથક પર લોકોની લાઇન લાગી હતી. (PTI Photo/S Irfan)

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ સોમવાર, 20મેએ યોજાયેલી છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર સરેરાશ 60 ટકા મતદાન થયું હતું. ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં હિંસાની છૂટાછવાઇ ઘટનાઓ અને કેટલાંક બૂથ પર EVMની ખામીઓની ઘટના જોવા મળી હતી. સાંજે 7 વાગ્યા સુધી ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાયેલા આંકડાઓ અનુસાર અંદાજિત મતદાનની ટકાવારી આશરે 60 ટકા રહી હતી. અત્યાર સુધીમાં છેલ્લા ચાર તબક્કામાં કુલ 66.95 ટકા મતદાન નોંધાયું છે.

મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 48.88 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 73 ટકા મતદાન નોંધાયું હતું. અન્ય રાજ્યોમાં બિહારમાં 52.55 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 54.21 ટકા, ઝારખંડમાં 63 ટકા, ઓડિશામાં 60.72 ટકા, ઉત્તર પ્રદેશમાં 57.43 ટકા અને લદ્દાખમાં 67.15 ટકા મતદાન નોંધાયું હતું.

મહારાષ્ટ્રની 13, ઉત્તરપ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થયું હતું.

પશ્ચિમ બંગાળના સાત સંસદીય બેઠકોમાં મતદાન દરમિયાન હિંસાના છૂટાછવાયા બનાવો નોંધાયા હતા. બેરકપુર, બોનગાંવ અને આરામબાગ બેઠકોના વિવિધ વિસ્તારમાં ટીએમસી અને ભાજપના કાર્યકરો વચ્ચે અથડામણ થઈ હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે વિવિધ રાજકીય પક્ષો તરફથી 1,036 ફરિયાદો મળી છે જેમાં ઈવીએમમાં ​​ખામી હોવાનો અને એજન્ટોને બૂથમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

પાંચમાં તબક્કાની ચૂંટણીમાં રાહુલ ગાંધી (રાયબરેલી), સ્મૃતિ ઇરાની (અમેઠી), રાજનાથ સિંહ (લખનૌ, યુપી), પીયૂષ ગોયલ (મુંબઈ ઉત્તર), સાધ્વી નિરંજન જ્યોતિ (ફતેહપુર, યુપી), શાંતનુ ઠાકુર (બાણગાંવ, પશ્ચિમ બંગાળ), એલજેપી (રામ વિલાસ) નેતા ચિરાગ પાસવાન (હાજીપુર, બિહાર), શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ, મહારાષ્ટ્ર) અને ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય (બંને સરન, બિહાર) સહિતના દિગ્ગજોના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતાં.

ચૂંટણીપ્રચારના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ છેલ્લી ઘડી સુધી મતદાતાઓને રિઝવવાના પ્રયાસ કર્યા હતા.

આ રાઉન્ડમાં 4.26 કરોડ મહિલાઓ સહિત 8.95 કરોડ મતદાતા હતાં. ચૂંટણી પંચે 94,732 મતદાન મથકો પર 9.47 લાખ અધિકારીઓ તૈનાત કર્યાં હતા.

ભાજપ માટે આ બીજો મહત્વનો તબક્કો છે, કારણ કે કુલ 49માંથી  40થી વધુ બેઠકો નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) પાસે હતી.

રાહુલ ગાંધી વાયનાડ ઉપરાંત રાયબરેલીથી પણ ચૂંટણીના મેદાનમાં છે. આ બેઠક નહેરુ-ગાંધી પરિવારનો ગઢ માનવામાં આવે છે. 2004થી સોનિયા ગાંધી આ બેઠક પરથી વિજયી બનતા આવ્યા છે. રાહુલ ગાંધી સામે ભાજપે યુપીના પ્રધાન દિનેશ પ્રતાપ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. શુક્રવારે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ એક રેલીમાં ભાવનાત્મક અપીલ કરતાં કહ્યું હતું કે તેઓ તેમના પુત્રને રાયબરેલીના લોકોને સોંપી રહ્યા છે અને રાહુલ તમને નિરાશ નહીં કરે.

2019માં રાહુલ ગાંધીને હરાવ્યા પછી અમેઠીમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની બીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે.  કોંગ્રેસે તેમની સામે ગાંધી પરિવારના સહયોગી કે એલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.

લખનૌથી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ચોથી મુદત માટે ચૂંટણી લડી રહ્યાં છે. તેમનો મુકાબલો વર્તમાન સપા ધારાસભ્ય (લખનૌ સેન્ટ્રલથી) રવિદાસ મેહરોત્રા સામે છે. અયોધ્યાને આવરી લેતી ફૈઝાબાદ લોકસભા બેઠકમાં ભાજપના વર્તમાન સાંસદ લલ્લુ સિંહ અને સપાના ધારાસભ્ય અવધેશ પ્રસાદ મુકાબલો હતો. લલ્લુ સિંહે ત્રીજી મુદત માટે ચૂંટણી લડી રહ્યાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય બીજેપી નેતાઓએ તુષ્ટિકરણ, વંશવાદી રાજકારણ, રામ મંદિર, સીએએ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ પર વિપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ અને અન્ય ઇન્ડિયા જૂથના પક્ષોએ ભાજપ પર હિન્દુ-મુસ્લિમ રાજકારણ વડે મતદારોનું ધ્રુવીકરણ કરવાનો આરોપ મૂક્યો હતો અને બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં.

કાશ્મીરની બારામુલ્લા બેઠક પરથી જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા, ભૂતપૂર્વ અલગતાવાદી નેતા સજ્જાદ લોન, જેલમાં રહેલા ભૂતપૂર્વ ધારાસભ્ય શેખ અબ્દુલ રશીદ ઉર્ફે ‘એન્જિનિયર રાશિદ’ અને પીડીપીના ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય ફયાઝ અહમદ મીર ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ઓમર અબ્દુલ્લાએ સોઇબુગમાં રોડ શો યોજ્યો હતો. મધ્ય કાશ્મીરનું આ ગામ અગાઉ આતંકવાદીઓનું કેન્દ્ર હતું.

મહારાષ્ટ્રમાં 13 બેઠકો માટે રાજકીય પક્ષોએ છેલ્લી ઘડી સુધી મતદાતાઓને રિઝવવાના પ્રયાસો કર્યો હતો. વડા પ્રધાન મોદીએ બુધવારે ભાજપ-શિવસેના-એનસીપી ‘મહાયુતિ’ ગઠબંધનના ઉમેદવારોના સમર્થનમાં કલ્યાણ અને ડિંડોરીમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી અને ઉત્તરપૂર્વ મુંબઈમાં રોડ શો પણ કર્યો હતો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાયુતિના ઉમેદવારો માટે પ્રચાર કરવા માટે નાસિક જિલ્લાના માલેગાંવ અને પાલઘરમાં જાહેર સભાઓ યોજી હતી.

 

 

LEAVE A REPLY