ગુજરાતમાં 26 લોકસભાની અને પાંચ વિધાનસભાની પેટાચૂંટણી માટે મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા કાર્યરત કરાયેલી 756 ફ્લાઈંગ સ્કવોડ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ. 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન ગેરકાયદે નાણાંની હેરફેર ના થાય તે માટે ખાસ તપાસ કરવામાં આવતી હોય છે.

ચૂંટણી પંચ દ્વારા અપાયેલી માહિતી મુજબ ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં 27 જનરલ નિરીક્ષકો, 28 ખર્ચ નિરીક્ષકો અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા વિવિધ સ્થળે તપાસમાં વિવિધ ચીજવસ્તુ જપ્ત કરવામાં આવી છે. જેમાં રૂ. 6.54 કરોડ રોકડા, રૂ. 11.73 કરોડની કિંમતનો 3.84 લાખ લીટર દારૂ, રૂ. 27.62 કરોડની કિંમતનું રૂ. 45.37 કિલો સોનુ અને ચાંદી, રૂ. 1.73 કરોડની કિંમતના 564.49 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે. તે સાથે મોટરકાર, મોટર સાઈકલ, સિગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની 39.20 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ 86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે રાજ્યભરમાં 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ પણ કાર્યરત કરી દેવામાં આવી છે.
આદર્શ આચારસંહિતાના ભાગરૂપે ચૂંટણી પંચે કાર્યવાહી કરીને સરકારી અને ખાનગી મિલકતો પરથી કુલ 2.25 લાખ જેટલા પોસ્ટર-બેનર સરકારી અને ખાનગી મિલકતો પરથી દૂર કર્યા છે. 16 માર્ચથી 10 એપ્રિલ સુધીમાં રાજ્યમાં કાર્યવાહી કરીને સરકારી મિલકતો પરથી કુલ 1,64,984 તથા ખાનગી મિલકતો પરથી કુલ 60,737 રાજકીય પ્રચારના પોસ્ટર-બેનરો તથા પ્રચાર-પ્રસાર સંબંધી જાહેરાતો દૂર કરવામાં આવી છે.

LEAVE A REPLY