ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં અગ્રણી ઇસ્લામિક પાર્ટીના રાજકીય મેળાવડામાં રવિવાર, 30 જુલાઇએ થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-એફ (JUI-F) પક્ષને ટાર્ગેટ કરાયો હતો. આ બ્લાસ્ટ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌરમાં થયો હતો, જે અફઘાનિસ્તાન સરહદની નજીકનો વિસ્તાર છે.
આ પાર્ટીના સેંકડો કાર્યકરો ખાર શહેરના એકઠા થયા હતા ત્યારે આ ભયાનક વિસ્ફોટ થયો હતો. તંબુ એક તરફ તૂટી પડ્યો હતો. તેનાથી ભાગી જવાનો પ્રયાસ કરનારા લોકો પણ ફસાઈ ગયા હતા. વિસ્ફોટના સ્થળે માનવ માંસ, માનવ અંગો અને નિર્જીવ મૃતદેહો પથરાયેલા હતા.
વિસ્ફોટ કોન્ફરન્સની અંદર થયો હતો અને કાયદા અમલીકરણ એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. UIF નેતા હાફિઝ હમદુલ્લાએ સરકારને અપીલ કરી કે ઘાયલો માટે તાત્કાલિક સારવાર આપવામાં આવે. JUIF નેતાએ કહ્યું હતું કે ‘આ જેહાદ નથી. આ આતંકવાદ છે. આ પહેલો વિસ્ફોટ નથી જેમાં JUI-Fના કાર્યકર્તાઓ પર હુમલો કરવામાં આવ્યો હોય. તેમણે બાજૌરમાં અગાઉ થયેલા વિસ્ફોટો અંગે સરકારી સંસ્થાઓના વલણ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
આ વર્ષે પાકિસ્તાનમાં ઘણા વિસ્ફોટ થયા છે, જેમાંથી મોટાભાગના આત્મઘાતી વિસ્ફોટ હતાં. છેલ્લા કેટલાક વિસ્ફોટો શિયા મસ્જિદને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા. કાબુલમાં તાલિબાન શાસન બાદ TTP જેવા આતંકવાદી સંગઠનો ફરી એકવાર પાકિસ્તાનમાં સક્રિય થયા છે.