જીએસટી કાઉન્સિલની 41મી બેઠક ગુરુવારે મળી નાણાંમંત્રી નિર્મલા સિતારમણે કહ્યું કે કોરોનાના કારણે જીએસટી કલેક્શન ઓછું થયું છે. નાણાંકિય વર્ષ 2021માં જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે. તેમણે કોરોનાને એક્ટ ઓફ ગોડ ગણાવ્યો.
એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય આવી શકે છે પરંતુ બેઠકમાં કોઈ મોટો નિર્ણય થયો નથી. ટુ વ્હીલરના ટેક્સમાં ઘટાડા અંગે નિર્ણય આવે તેવી શક્યતા હતી પરંતુ નાણાંમંત્રીએ જણાવ્યું કે, ટુ વ્હીલર વાહન પર ટેક્સના કાપને લઈને કોઈ ટાઈમલાઈન નક્કી નથી. હવે કાઉન્સિલની આગામી બેઠકમાં તેના પર વિચાર થઈ શકે છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠક સપ્ટેમ્બરમાં યોજાશે.
રાજ્યોમાં આપવામાં આવી રહેલા કંપનસેશન પર ચર્ચા થઈ. નાણાંમંત્રીએ જણાવ્યું કે રાજ્યોને કંપનસેશનના બે વિકલ્પ આપવામાં આવ્યા. જેમાં પહેલો વિકલ્પ કેન્દ્ર પાસેથી ઉધાર લઈને ચુકવે અને બીજો વિકલ્પ રાજ્ય પોતે આરબીઆઈ પાસેથી લે, આ બંન્ને વિકલ્પો પર વિચાર માટે રાજ્યોએ એક અઠવાડિયાનો સમય માંગ્યો. કંપનસેશનની આ વ્યવસ્થા નાણાંકિય વર્ષ 2021 માટે રહેશે. નાણાં સચિવે નાણાંકિય વર્ષમાં 65 હજાર કરોડ રૂપિયાના કંપનસેશન સેસ કલેક્શનની આશા વ્યક્ત કરી.
નાણાં સચિવે જણાવ્યું કે, જીએસટીના દરોમાં વધારાને લઈને કોઈ ચર્ચા નથી થઈ. નાણાં સચિવે ચાલુ નાણાંકિય વર્ષમાં 3 લાખ કરોડ રૂપિયાના કંપનસેશન કલેક્શનની આશા વ્યક્ત કરી છે. નાણાં સચિવે જણાવ્યું કે, રાજ્યોના જીએસટી કંપનસેશન માટે એપ્રીલથી જુલાઈની મર્યાદાના 1.5 લાખ કરોડ રૂપિયા બાકી છે.