કુવૈતના દક્ષિણ મંગાફ જિલ્લામાં બુધવારે વહેલી સવારે છ માળની એક બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળતા કેટલાંક ભારતીયો સહિત 41 લોકોના મોત થયાં હતાં. બિલ્ડિંગના નીચેના માળના રસોડામાં આગ લાગી હતી અને ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. તેનાથી ઘણા લોકો બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતાં. આ ઘટનામાં 30થી વધુ ભારતીય કામદારો ઘાયલ પણ થયા હતાં.
આ બિલ્ડિંગમાં લગભગ 160 લોકો રહેતા હતાં, જેઓ એક જ કંપનીના કામદારો છે. અહીં રહેતા ઘણા કામદારો ભારતીયો હોવાનું માનવામાં આવે છે.
કુવૈતના નાયબ વડાપ્રધાને જણાવ્યું હતું કે આ ઘટનામાં 41 લોકો માર્યા ગયા હતાં. ઓન્માનોરના અહેવાલ અનુસાર આગમાં માર્યા ગયેલા લોકોમાં પાંચ કેરળવાસીઓનો સમાવેશ થાય છે. આ ઈમારતમાં કેરળ અને તમિલનાડુના કામદારો સહિત લગભગ 195 મજૂરો રહેતા હોવાના અહેવાલ છે. આ ઇમારત મલયાલી ઉદ્યોગપતિ કેજી અબ્રાહમની માલિકીના NBTC ગ્રૂપ છે.
વિદેશ પ્રધાન એસ જયશંકરે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે કુવૈત શહેરમાં આગની ઘટનાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. અહેવાલ છે કે 40થી વધુ મૃત્યુ થયા છે અને 50થી વધુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમારા રાજદૂત કેમ્પમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ,”
કુવૈતમાં ભારતીય રાજદૂત આદર્શ સ્વૈકાએ અલ-અદાન હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી જ્યાં આગની ઘટનામાં ઘાયલ થયેલા 30થી વધુ ભારતીય કામદારોને દાખલ કરવામાં આવ્યા છે.
કુવૈતની કુલ વસ્તીના 21 ટકા (1 મિલિયન) અને તેના કર્મચારીઓના 30 ટકા (આશરે 9 લાખ) ભારતીયો છે.