ગુજરાતમાં પહેલી જાન્યુઆરી 2024એ 108 સ્થળો પર આશરે 4,000થી વધુ લોકોએ એકસાથે સૂર્યનમસ્કાર કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. નવા વર્ષના પ્રારંભે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોની પ્રશંસા કરી હતી.
ભવ્ય મોઢેરા સૂર્ય મંદિર ખાતે આયોજિત રેકોર્ડ-બ્રેકિંગ ઇવેન્ટમાં પરિવારો, વિદ્યાર્થીઓ, યોગ ઉત્સાહીઓ અને વરિષ્ઠ નાગરિકો સહિત વિવિધ વર્ગના લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મોઢેરાના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સના એડજ્યુડિકેટર સ્વપ્નિલ ડાંગરીકરે જણાવ્યું હતું કે “સૌથી વધુ લોકો સૂર્ય નમસ્કાર કરતા હોવાના રેકોર્ડને ચકાસવા માટે હું અહીં આવ્યો હતો. તમામ પુરાવાઓ જોયા પછી અને મોઢેરાનો કાર્યક્રમ જોયા પછી … તેઓએ સૂર્ય નમસ્કાર માટે સફળતાપૂર્વક નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.”
ગુજરાતના ગૃહપ્રધાન સંઘવીએ ગર્વથી જણાવ્યું હતું કે, “આજે ગુજરાતે દેશ અને વિશ્વનો પ્રથમ વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો છે, જ્યાં હજારો લોકોએ 108 સ્થળોએ એકસાથે યોગ કર્યા છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ગુજરાતએ એક નોંધપાત્ર સિદ્ધિ સાથે 2024નું સ્વાગત કર્યું – 108 સ્થળોએ એક સાથે સૂર્ય નમસ્કાર કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો! જેમ આપણે બધા જાણીએ છીએ કે, 108 નંબરનું આપણી સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. આ સ્થળોમાં આઇકોનિક મોઢેરા સૂર્યમંદિરનો પણ સમાવેશ થાય છે. આ ખરેખર યોગ અને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે.
મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે 2024ના પ્રથમ દિવસે સૂર્ય મંદિર ખાતે સૂર્યનાં પ્રથમ કિરણના સ્વાગત સાથે સૂર્યનમસ્કાર કરવામાં આવ્યા હતા. જામનગર, પાટણ, આણંદ, અંબાજી સહિતના વિસ્તારો મળી રાજ્યનાં 108 સ્થળે લોકોએ એકસાથે સૂર્યનમસ્કાર કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી.