વિશ્વના 80 દેશોએ કોરોના સંક્રમણ રોકવા લૉકડાઉન લાગુ કર્યું હતું, જેમાંથી 40 દેશમાં લૉકડાઉન ખૂલી ચૂક્યું છે. ઓરા વિઝન સહિત વિવિધ રિસર્ચ એજન્સીઓના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. લૉકડાઉન ખોલનારા દેશોમાં ઘણા ઉદ્યોગો, દુકાનો, બીચ તથા અન્ય સ્થળો ફરી ખુલી ચૂક્યાં છે. મોટા ભાગના દેશોએ જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સિંગની શરત સાથે લૉકડાઉનમાં છૂટછાટ આપી છે.
લૉકડાઉન ખોલનારા સૌથી વધુ 26 દેશ યુરોપના છે. કોરોનાગ્રસ્ત ટોપ 10 દેશમાંથી 6 દેશ યુરોપના જ છે. અમેરિકા અને એશિયાના દેશોમાં પણ લૉકડાઉન ખૂલ્યું છે. આ દેશોની સરકારોનું માનવું છે કે અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા લૉકડાઉન ખોલવું પડશે. બેલ્જિયમ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ 15 જૂનથી વિદેશી પર્યટકોને આવવા દેવાનું વિચારી રહ્યા છે. મોટા ભાગના દેશો લૉકડાઉન ખોલ્યા બાદ હવે સરહદો ખોલવા પર ભાર મૂકી રહ્યા છે. કેટલાકે તેની તારીખો પણ જાહેર કરી દીધી છે, કેટલાક વિચારી રહ્યા છે.
બેલ્જિયમ, જર્મની અને સ્વિટ્ઝરલેન્ડ 15 જૂનથી વિદેશી પર્યટકોને આવવા દેવાનું વિચારી રહ્યા છે, જેની જાહેરાત ચાલુ મહિનાના અંતમાં કરી શકે છે. ગ્રીસ 1 જુલાઇથી વિદેશી પર્યટકો માટે સરહદો ખોલી રહ્યું છે. ઇટાલી 3 જૂનથી સરહદો ખોલશે. નેધરલેન્ડે કેટલાક દેશોના પ્રવાસીઓને આવવાની મંજૂરી આપી છે. પોલેન્ડ 13 જૂનથી સરહદો ખોલી શકે છે. વિશ્વના 195 દેશ કોરોનાથી અસરગ્રસ્ત છે, જ્યાં અત્યાર સુધીમાં 49,17,417 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 3,20,609 મોત થયાં છે. ચીનને બાદ કરતા મોટા ભાગના દેશોએ માર્ચ કે એપ્રિલમાં લૉકડાઉન લાગુ કર્યું હતું. ચીનમાં જાન્યુઆરીમાં લૉકડાઉન શરૂ થયું હતું.