ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સોમવારે અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાકિસ્તાનના 40 હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા હતા.
આ અંગેના વિશેષ કાર્યક્રમમાં સંઘવીએ જણાવ્યું હતું કે તમે મહાન ભારત દેશના નાગરિક બન્યા છો ત્યારે નાગરિક તરીકે તમામ અધિકારો મળવા સાથે સરકારની તમામ યોજનાનો લાભ પણ મળશે. આજનો દિવસ તમારા જીવનમાં અતિ મહત્ત્વનો છે. ગુજરાતમાં તમે સલામતીનો અનુભવ કરી શકશો. જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ ભારતનું નાગરિક મેળવનારા 40 હિંદુઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. રુહી નરીન્દ્રકુમાર નામની યુવતી લાગણીશીલ બનીને પ્રધાન સંઘવીને ભેટી પડી હતી અને તેની આંખો ભીની થઈ ગઈ હતી. ભારતનું નાગરિકત્વ મેળવનારા સૌની આંખોમાં આનંદના ભાવ છલકાતા હતા. નાગરિકતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ઝડપ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. 1000થી વધારે હિન્દુ નિર્વાસિતોને ભારતનું નાગરિકત્વ આપવામાં અમદાવાદ જીલ્લો મોખરે છે. અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા 2017થી અત્યાર સુધીમાં કુલ 1,032 પાકિસ્તાનના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે.