તાજેતરમાં શરૂ કરવામાં આવેલી અમદાવાદ મેટ્રો રેલ પર TATA અને TAS લખીને ચિતરામણ કરવા બદલ પોલીસે રવિવાર (2 ઓક્ટોબર)એ ઇટલીના ચાર યુવકોની ધરપકડ કરી હતી. આ ઇટાલિયન યુવકોએ શુક્રવારે એપેરલ પાર્કમાં મેટ્રો ટ્રેનના કોચ પર એરોસોલ પેઈન્ટિંગ કર્યું હતું.
અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ઈટલીના ચાર લોકો સામે જાહેર મિલકતને નુકસાન પહોંચાડવાનો ગુનો નોંધવામાં આવ્યો હતી. આ ચાર યુવકોની ઓળખ ટોર્ટોરેટોનો કુદિની જનલુકા (24), મોન્તે સન વાતોનો બાલદો સાસા (29), સ્પોલ્તોરેનો સ્તેરિનેરિયેરી ડેનિયલે (21) અને ગ્રોત્તમમારેનો કેપેચી પાવલો તરીકે થઈ છે.
પોલીસે જણાવ્યું કે આ આરોપીઓ ગોમતીપુર વિસ્તારમાં એપેરલ પાર્ક મેટ્રો રેલ પાર્કિંગ લોટમાં ઘૂસ્યા હતા અને સ્પ્રે-પેઈન્ટનો ઉપયોગ કરીને શુક્રવારે મેટ્રો ટ્રેનના કોચ પર ‘TAS’ પેઈન્ટ કર્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, “અમે આરોપીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રોનું ઉદ્ઘાટન કર્યું તે પહેલા શુક્રવારે તેને નુકસાન પહોંચાડ્યું હતું તેના ગુનામાં પકડી પાડ્યા છે. જોકે, આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપીઓએ કોઈ માત્ર મજા લૂંટવા માટે આ પ્રકારનું કૃત્ય આચર્યું છે.”