ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રતિબંધિત આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે લિંક્સ ધરાવતા ચાર શ્રીલંકાની ધરપકડ કરી હતી. આ આરોપીઓ કથિત રીતે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરવાના મિશન પર આવ્યા હતા, એમ પોલીસે સોમવારે જણાવ્યું હતું.
શ્રીલંકાના નાગરિકો અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે અને તેઓ ISIS સાથે સંબંધ ધરાવે છે તેવી ગુપ્ત માહિતી મળ્યા પછી તેમને ઝડપી લેવાયા હતા. તેઓ ગુજરાત શા માટે આવ્યા હતા અને બીજા કોઈ રાજ્યોમાં પણ તેઓ સક્રિય છે કે નહીં તેની તપાસ કરાશે.
પોલીસે જણાવ્યું હતું કે મોહમ્મદ નુસરત (35), મોહમ્મદ ફારુખ (35), મોહમ્મદ નફરન (27) અને મોહમ્મદ રસદીન (43) નામના આ આરોપીોએ કોલંબોથી ફ્લાઈટમાં રવિવારની વહેલી સવારે ચેન્નાઈ પહોંચ્યા હતાં. આ પછી તેમણે અમદાવાદની ફ્લાઇટ પકડી હતી અને રવિવારે સાંજે પાંચ વાગ્યે અમદાવાદ ઉતર્યા હતા.
ગયા વર્ષે પોલીસે પોરબંદરમાંથી કેટલાક ISISના ઓપરેટિવને પકડ્યા હતા અને ભારતમાં ISISના મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આજે જે લોકોને પકડવામાં આવ્યા તેઓ શ્રીલંકાથી વાયા ચેન્નાઈ થઈને અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ પાકિસ્તાની હેન્ડલરના આદેશની રાહ જોઈ રહ્યા હતા.
કટ્ટરવાદી ઈસ્લામિક જૂથના સભ્યો શ્રીલંકામાં ઘણા વર્ષોથી એક્ટિવ છે અને શ્રીલંકાના મોટા શહેરોમાં ચર્ચમાં થયેલા વિસ્ફોટની ઘટનાએ એ બાબતની સાબિતી આપી હતી કે આ દેશમાં ઈસ્લામિક જૂથ હાજર છે. ગુજરાતમાં તાજેતરમાં કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને તેના મૂળ પાકિસ્તાન સુધી પહોંચતા હતા.