ઓસ્ટ્રેલિયાના વિક્યોરિયા રાજ્યના ફિલિપ આઈલેન્ડના એક બીચ પર 24 જાન્યુઆરીએ ત્રણ મહિલા સહિત ચાર ભારતીયોના દરિયામાંથી ડુબી જવાથી મોત થયા હતાં. મહિલાઓની ઉંમર 30 વર્ષથી ઓછી હોવાનું કહેવાય છે, જ્યારે પુરુષની ઉંમર લગભગ 40 વર્ષની આસપાસ હતી. કેનબેરા ખાતે ભારતીય હાઈકમિશને આ દુઃખદ ઘટનાને પુષ્ટિ આપી હતી. જોકે મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી ન હતી.
ભારતીય અધિકારીઓએ ટ્વિટર પર જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયામાં એક દુઃખદ ઘટના બની છે. આ ઘટનામાં ફિલિપ આઈલેન્ડ પર 4 ભારતીયોના ડૂબી જવાથી મોત થયા હતા. અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે મૃતકોના પરિવારજનોને તમામ મદદ કરવા માટે તૈયાર છીએ.
વિક્ટોરિયા પોલિસે જણાવ્યું કે 24 જાન્યુઆરીએ 3.30 વાગ્યે ત્રણ મહિલાઓ અને એક પુરુષ ડૂબતા હોવાનો કોલ આવ્યો હતો. બે મહિલા અને એક પુરુષને બહાર કાઢવામાં આવ્યા ત્યારે જ મૃત જાહેર કરાયા હતા. એક મહિલાને હોસ્પિટલે લઈ જવાઈ હતી. જ્યાં તેની હાલત બહુ ગંભીર હતી અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતકોની ઓળખવિધિ ચાલુ છે અને આ ઘટનામાં કંઈ શંકાસ્પદ જણાતું નથી.
આ ઘટના ટાપુના સાઉથ વેસ્ટ કિનારે ફોરેસ્ટ કેવ્સ નજીક બની છે. ચારેય વ્યક્તિ કોઈ પણ જાતના પેટ્રોલિંગ વગરના એરિયામાં તરવા ગયા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટના જ્યાં બની છે તે ફોરેસ્ટ કેવ્સ બીચ બહુ લોકપ્રિય ટુરિસ્ટ સ્પોટ છે અને સમુદ્રી ગુફાઓ માટે જાણીતું છે. જોકે, સ્થાનિક લોકોનું કહેવું છે કે તરવા માટે આ જગ્યા બહુ જોખમી છે અને ભલભલા લોકો થાપ ખાઈ શકે છે. અહીં લાઈફગાર્ડ પેટ્રોલિંગ સગવડ ન હોવાથી ટુરિસ્ટોને ખાસ સાવધાન રહેવાની સલાહ અપાય છે.