ઓસ્ટ્રેલિયાના દરિયામાં ડુબવાથી પંજાબના ફગવાડાની મહિલા સહિત ચાર ભારતીયોના મોત થયા હતા. વિક્ટોરિયાના ફિલિપ આઇલેન્ડ ખાતે આ ઘટના ગત બુધવારે બની હતી. મૃતકોના નજીકના સંબંધીઓએ તેમના નામની પુષ્ટી કરી હતી. મૃતક મહિલાની ઓળખ 43 વર્ષીય રીમા સોંઢી તરીકે થઇ હતી, જે તેના પતિ સંજીવ સોંઢી સાથે રજાઓ ગાળવા માટે ઓસ્ટ્રેલિયા ગઇ હતી. અન્ય મૃતકોમાં 23 વર્ષીય જગજીત સિંઘ આનંદ, 20 વર્ષીય વિદ્યાર્થિનીઓ- સુહાની આનંદ અને કિર્તી બેદીનો સમાવેશ થાય છે.
સોંઢી પરિવાર ઓસ્ટ્રેલિયામાં તેમના સંબંધીઓને મળવા આવ્યો હતો. તેઓ 10 લોકોનું ગ્રુપ બીચ પર મજા માણવા માટે ગયું હતું. મૃતક ત્રણ યુવાઓ ક્લાઇડમાં રહેતા હતા. ઓસ્ટ્રેલિયામાં ઇન્ડિયન હાઇ કમિશને સોશિયલ મીડિયા પર આ સમાચાર જણાવીને મૃતકોને પરિવારજનોને દિલસોજી પાઠવી હતી. આ ઉપરાંત તેમના પરિવારજનોને જરૂરી મદદ પહોંચાડી હતી. રીમાના સંબંધી દીપકે સોંઢીએ જણાવ્યું હતું કે, રીમાના અન્ય પરિજનો સાથે આ દંપત્તી રજા માણવા માટે છેલ્લા કેટલાક દિવસથી ઓસ્ટ્રેલિયા આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં નજીકમાં રહેલા લાઇફગાર્ડઝ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમણે ત્રણ લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.