ચીનમાં ઓમિક્રોનના જે સબવેરિયન્ટ તરખાટ મચાવી રહ્યો છે તેના ભારતમાં 22 ડિસેમ્બર સુધીમાં ત્રણ કેસ નોંધાયા છે. હાલમાં ચીનમાં BF.7 નામના સબ વેરિયન્ટથી કોરોનાનો વિસ્ફોટ થયો છે. ભારતમાં BF.7નો પ્રથમ કેસ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ઓક્ટોબરમાં શોધી કાઢવામાં આવ્યો હતો. અત્યાર સુધી ગુજરાતમાંથી ત્રણ કેસ નોંધાયા છે, જ્યારે એક કેસ ઓડિશામાંથી નોંધાયો છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
બુધવારે કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી કોવિડ સમીક્ષા બેઠકમાં નિષ્ણાતોએ જણાવ્યું હતું કે હાલમાં કોવિડ કેસોની સંખ્યામાં એકંદરે કોઈ વધારો થયો નથી, તેમ છતાં, હાલના અને ઉભરતા વેરિેએન્ટ્સ પર ટ્રેક રાખવા માટે સતત દેખરેખની જરૂર છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ખૂબ ઝડપથી ફેલાતા ઓમિક્રોન વેરિયન્ટ અને ખાસ કરીને BF.7થી ચીનના શહેરોમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. BF.7થી બેઇજિંગમાં પણ કેસોમાં મોટો વધારો થયો છે. BF.7 ચીનમાં ખૂબ જ ઝડપથી ફેલાયો છે, કારણ કે અગાઉના વેરિયન્ટ સામે ચીનના લોકોમાં રોગપ્રતિકાર ક્ષમતા ઘણી નીચી છે. ચીનમાં રસીકરણનું પ્રમાણ પણ નીચું હોવાથી ઝડપથી કેસો વધી રહ્યાં છે.
BF.7 હકીકતમાં ઓમિક્રોનના BA.5નો એક નવો વેરિયન્ટ છે. આ વેરિયન્ટ ફરીથી પણ કોરોનાનો ચેપ ફેલાવી શકે છે. વેક્સિન લીધી હોય તેવા વ્યક્તિઓમાં પણ તે ફેલાઈ શકે છે. અમેરિકા, બ્રિટન તથા બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્કમાં પણ વેરિયન્ટના કેસો નોંધાયા છે.