બ્રિટનમાં રોગચાળો શરૂ થયા પછી પહેલી વાર લોકડાઉનને હળવું કરાયું હોવા છતાં કોરોનાવાયરસના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા પુરાવા મુજબ દેશમાં કોવિડ રોગચાળો તેના ત્રીજા તરંગની ટોચને પસાર કરીને હવે ઢળી રહ્યો છે. પોઝીટીવ કેસની સંખ્યા સતત પાંચમાં દિવસે ઘટી છે.
રવિવાર 25 જુલાઇએ 29,173 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જે તમામ કાયદાકીય પ્રતિબંધો હટાવ્યાના થોડા સમય પહેલાં નોંધાયેલા 30,000 કેસથી નીચે અને ત્રીજા તરંગના 50,000 કેસની ટોચથી ઘણા નીચે હતા. ગયા રવિવારે નોંધાયેલા કેસો કરતા તે લગભગ 40 ટકા નીચે હતા. મે મહિનાની શરૂઆતથી પહેલી વખત કેસોની સંખ્યામાં સતત ઘટાડો થયો હતો.
વડા પ્રધાન જોન્સને કહ્યું છે કે તાજેતરમાં કોરોનાવાયરસના કેસોમાં ઘટાડો “પ્રોત્સાહક” છે, જોકે તેમણે લોકોને ચેતવણી આપી હતી કે આપણે હજુ સંપૂર્ણપણે બહાર આવ્યા નથી. સરકારે મોજાને કાબૂમાં લેવા માટે રસીકરણ પર મોટા પ્રમાણમાં આધાર રાખ્યો છે અને નિયંત્રણો પણ મુક્ત કર્યા છે.