ભારતમાં કોરોનાના કહેરમાં કોઈ રાહત નથી અને નવા કેસ તથા મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના કેસની કુલ સંખ્યા 3.43 લાખ પર પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક 10,000 આસપાસનો થયો છે. એક જ દિવસમાં 396 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.
કોરોના સામેની લડાઈ અસરકારક બનાવવા માટે વડાપ્રધાન મોદીએ આજથી બે દિવસની બેઠક રાખી છે. તે પુર્વે તામીલનાડુ સરકારે સંક્રમણ રોકવા માયે ચેન્નઈ સહિત ચાર જીલ્લાઓમાં 19થી30 જૂન સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. ભારતમાં કોરોનાના નવા કેસોની દૈનિક સંખ્યા સતત 10000ને પાર થતી રહી છે. નવા કેસ વૃદ્ધિની સંખ્યામાં દુનિયામાં ત્રીજા સ્થાને છે. સૌથી વધુ પ્રભાવિત રાજય મહારાષ્ટ્રમાં છે. જયાં કુલ કેસ એક લાખથી અધિક છે.
આ સિવાય દિલ્હી, તામીલનાડુ, ગુજરાતની ગણના સૌથી પ્રભાવિત રાજયોમાં થાય છે. ગુજરાતમાં ઉંચો મૃત્યુદર કેન્દ્ર સરકાર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. કેન્દ્ર તથા રાજયો વચ્ચે આજે યોજાનારી બેઠકમાં ટેસ્ટીંગ-સ્ક્રીનીંગ વધારવા પર જોર મુકવામાં આવી શકે છે. આઈસીએમઆરના અભ્યાસમાં ભારતમાં કોરોનાના કેસ સૌથી ટોચના સ્તરે પહોંચવાનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો હોવાથી કેન્દ્ર સરકાર વધુ એલર્ટ થઈ છે.