39 વર્ષે દેશના વગદાર નેતા બનતા ઋષી સુનક

0
964

39 વર્ષના નવનિયુક્ત ચાન્સેલર ઋષી સુનાક નોર્થ યોર્કશાયરના નોર્થેલર્ટન શહેરની બહાર કિર્બી સિગ્સ્ટનમાં ભવ્ય જ્યોર્જિઅન મેનોર હાઉસમાં પરિવાર સાથે રહે છે. તેમના પિતા જી.પી. અને માતા ફાર્માસિસ્ટ હતા. સુનકના માતા પિતા નાના હતા ત્યારે ભારતથી યુકે આવ્યા હતા. સુનકના પત્ની અક્ષતા મૂર્તિ – ભારતના છઠ્ઠા ક્રમના અબજોપતિ ધનિક અને આઇટી સર્વિસિસ જાયન્ટ ઈન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના પુત્રી છે. આ દંપતીને બે પુત્રીઓ છે. ઋષીની ગણના ટોચના ધનિક એમપી તરીકે થાય છે.

ઋષીનો જન્મ 1980માં હેમ્પશાયરના સાઉધમ્પ્ટનમાં થયો હતો અને તેમણે વાર્ષિક 40,000 પાઉન્ડની ફી ધરાવતી વિશિષ્ટ ખાનગી શાળા વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો હતો. સુનકે ત્યારબાદ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ફિલોસોફી, પોલિટીક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએનો પણ અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં જોડાયા હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેમણે ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન સેશ અને હેજ ફંડ માટે કામ કર્યું હતું. સુનકે 2010માં  700 મિલિયન ડોલરના પ્રારંભિક ભંડોળ સાથે પોતાની કંપની થેલેમ પાર્ટનર્સ સ્થાપી હતી. હેજ ફંડ કંપની બનાવતી વખતે તેમણે કન્ઝર્વેટિવ્સ માટે વોલંટીયરીંગ કાર્ય કરવા થોડા દિવસો ગાળ્યા હતા અને પછી નક્કી કર્યું હતુ કે તેઓ પૂર્ણ-સમયના રાજકારણી બનશે.

તેમના પત્ની અક્ષતા પોતે ફેશન લેબલ ‘અક્ષતા ડિઝાઇન્સ’ ચલાવે છે અને વર્ષ 2010માં તેના પિતા દ્વારા સ્થાપિત એક વેન્ચર કેપિટલ કંપનીની ડિરેક્ટર પણ છે. એકલા ઈન્ફોસિસમાં તેણીનો શેરહોલ્ડિંગનો હિસ્સો અંદાજે £185 મિલીયનનો છે.

સુનકની અક્ષતા સાથેની મુલાકાત કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હતા ત્યારે થઈ હતી. આ દંપતીએ તેમના વતનના શહેર બેંગ્લોરમાં 2009માં બે દિવસીય સમારોહમાં 1,000 અતિથિઓની હાજરીમાં લગ્ન કર્યા હતા.

સુનક ચુસ્ત હિન્દુ છે અને બીફ ખાતા નથી તેમજ દર વિકેન્ડમાં મંદિરે જાય છે. તેમના શોખના વિષયોમાં તંદુરસ્ત રહેવુ, ક્રિકેટ, ફૂટબોલ અને ફિલ્મો જોવાનુ સામેલ છે. તેમના બાળપણના એક હીરો સાઉધમ્પ્ટન ફૂટબોલ ખેલાડી મેટ લે ટિસિયર હતા.

ટોરીનો ઉગતો સિતારો

2015માં શ્રી સુનક પૂર્વ કન્ઝર્વેટિવ નેતા વિલિયમ હેગની જગ્યાએ રિચમંડ, નોર્થ યોર્કશાયરના સાંસદ તરીકે ચૂંટાયા હતા. જાન્યુઆરી 2018થી જુલાઈ 2019 સુધી તેઓ હાઉસિંગ, કોમ્યુનિટી અને લોકલ ગવર્નમેન્ટ વિભાગના પાર્લામેન્ટરી અંડર-સેક્રેટરી હતા. જેમને જ્હોન્સને જુલાઇ, 2019માં ટ્રેઝરીના ચિફ સેક્રેટરી તરીકે પસંદ કર્યા હતા. ગત ડિસેમ્બરની સામાન્ય ચૂંટણી પૂર્વે બીબીસીની સેવન-વે ડિબેટ દરમિયાન તેઓ બોરિસ જ્હોન્સન વતી બોલવા ઉભા થયા હતા.

શ્રી સુનકે EUના લોકમતમાં ઇયુમાંથી નીકળવા માટે ઝુંબેશ ચલાવી હતી અને તેમના મતક્ષેત્રના 55% લોકોએ ઇયુમાંથી નીકળવા માટે મત આપ્યા હતા. તેમણે ત્રણેય પ્રસંગોએ થેરેસા મેના બ્રેક્ઝિટ ડીલ માટે મત આપ્યો હતો અને તેઓ બોરિસને પહેલાથી જ સમર્થક હતા અને તેમના સમર્થનમાં મીડિયાને અનેક રજૂઆતો કરી હતી.

ટોરીના રાઇઝિંગ સ્ટાર અને ‘મહારાજા ઑફ યોર્કશાયર ડેલ્સ’ તરીકે ઓળખાતા અને મીડિયાના પ્રિય એવા શ્રી સુનક સંસદના સૌથી ધનિક સાંસદ હોવાનુ માનવામાં આવે છે. તેમને રિચમન્ડના કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ નેતા લોર્ડ હેગ સહિત ઘણાં લોકોએ સમર્થન આપ્યું છે અને તેમણે સુનકને “અપવાદરૂપ વ્યક્તિ” ગણાવ્યા છે. જાવિદે પણ તાજેતરના એક ટ્વીટમાં “યુવા સુનક સાથે ફોર્સ મજબૂત છે” તેમ જણાવ્યુ હતુ તો ગરવી ગુજરાતના એક એવોર્ડ સમારોહમાં પણ તેમણે ઋષીની પ્રસંશા કરી હતી. તેઓ પોતાની વરણી પછી સીધા ટ્રેઝરી પહોંચ્યા હતા જ્યા તેમણે ચાન્સેલર તરીકે નિમણૂક થવાથી ખુશ છે અને હજુ ઘણું બધુ મેળવવાનું છે તેમ જણાવ્યુ હતુ.

ઋષિ સુનાક માટે આ ઘણી મોટી જવીબદારી છે. એક વર્ષ પહેલા તેઓ કોમ્યુનિટીઝ ડિપાર્ટમેન્ટના જુનિયર મિનીસ્ટર હતા અને આજે ઝડપથી ચાન્સેલર સુધી પહોંચી ગયા છે. તેમનુ હજુ સુધી ચકાસણીના કોઇ નોંધપાત્ર એરણ પર પરીક્ષણ થયુ નથી તેથી નેશનલ મિડીયામાં તેમની ક્ષમતા વિષે થોડા સવાલો થઇ રહ્યા છે. પરંતુ છેલ્લી સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને વિશ્વસનીય અગ્રણી તરીકે જોવામાં આવ્યા હતા. સામે પક્ષે સુનક એક નક્કર મીડિયા પર્ફોર્મર છે અને ડાઉનિંગ સ્ટ્રીટ દ્વારા વારંવાર મુશ્કેલ ઇન્ટરવ્યુ માટે તેમને રજૂ કરવામાં આવે છે.

‘પ્રથમ પેઢીના ઇમિગ્રન્ટ’

તેમણે એક મુલાકાતમાં કહ્યું હતુ કે તેમની એશિયન ઓળખ તેમના માટે મહત્વપૂર્ણ છે. ‘’હું પહેલી પેઢીનો ઇમિગ્રન્ટ છું. મારા માતાપિતા અહીં સ્થળાંતર કરીને આવ્યા હતા. તેઓ જીવન બનાવવા માટે આ દેશમાં આવ્યા હતા. સાંસ્કૃતિક ઉછેરની બાબતમાં  હું દર સપ્તાહે વિકેન્ડમાં મંદિરે જાઉ છુ. પણ હું સેઇન્ટ ગેમ પણ રમુ છુ. તમે બધું કરો, તમે બંને કરી શકો છો.”

ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ‘’હું ભાગ્યશાળી હતો કે મારે મોટે ભાગે વધતા જાતિવાદને સહન કરવો પડ્યો નથી. પરંતુ એક ઘટના હજુ મારા મગજમાં વળગેલી રહી છે. હું મારા નાના ભાઈ અને નાની બહેન સાથે બહાર જતો હતો. કદાચ હુ ખૂબ જ યુવાન, સંભવત મધ્યમ વયનો કિશોર હતો અને અમે એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની બહાર ઉભા હતા. હું તેમની સંભાળ રાખતો હતો ત્યાં દુર કેટલાક લોકો બેઠા હતા. તે વખતે કોઇકે ‘પા*’ કહ્યુ હતુ. હું હજી પણ તેને યાદ કરું છું. તે મારી યાદમાં સીમિત છે. જો કે યુકેમાં “આજે આવુ ફરીથી બને તેની કલ્પના કરી શકતો નથી”.