હિંસાગ્રસ્ત સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાના ઓપરેશન કાવેરી હેઠળ બુધવારે 360 ભારતીયોને એક ફ્લાઇટ મારફત દિલ્હી લાવવામાં આવ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર પહોંચતા જ લોકોએ ભારત માતા કી જય, ભારતીય સેના ઝિંદાબાદ, નરેન્દ્ર મોદી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
સુદાનથી પરત ફરેલા એક ભારતીય નાગરિકે કહ્યું, “ભારત સરકારે અમને ઘણો સાથ આપ્યો. મોટી વાત એ છે કે અમે સુરક્ષિત રીતે અહીં પહોંચ્યા, કારણ કે આ ખૂબ જ ખતરનાક હતું.
વિદેશ પ્રધાન એસ જયશંકરે દિલ્હી એરપોર્ટ પર પહોંચેલા લોકોના ફોટા શેર કરતા ટ્વિટ કર્યું – ભારત પોતાના લોકોના પરત આવવાનું સ્વાગત કરે છે. જિદ્દાહ છોડતા પહેલા વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરને પ્લેનની અંદર મુસાફરોનો એક વીડિયો શેર કર્યો અને ટ્વિટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ભારતીયને પરત લાવવાનો સંકલ્પ કર્યો છે. ઓપરેશન કાવેરી હેઠળ, પ્રથમ ફ્લાઇટ 360 ભારતીય નાગરિકો સાથે ઘરે પહોંચી. આ નાગરિકોને મંગળવારે ‘આઈએનએસ સુમેધા’થી પોર્ટ સુદાન અને ત્યાંથી સાઉદી અરેબિયાના જિદ્દાહ લાવવામાં આવ્યા હતા. આ પછી તેમને ત્યાંથી નવી દિલ્હી લાવવામાં આવ્યા હતા
સુદાનમાં ફસાયેલા ભારતીયોની 5મી બેચ આઈએનએસ તેગ સુદાનથી 297ને ભારતીયોને લઈને રવાના થઈ ચૂક્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ મામલે જાણકારી આપતાં ટ્વિટ કરી હતી કે જિદ્દાહના માર્ગે ફસાયેલા ભારતીયોની આ 5મી બેચ છે. અગાઉ સુદાનમાં ફસાયેલા 136 ભારતીયોની ચોથી બેચ બુધવારે સાઉદી અરબના જિદ્દાહ માટે IAF C-130J વિમાનથી રવાના કરાઈ હતી.
આ ઓપરેશનનું નામ કાવેરી નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે, જે કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે વહે છે. કહેવામાં આવી રહ્યું છે કે સુદાનમાં ફસાયેલા મોટાભાગના લોકો દક્ષિણ ભારતના જ છે.