અમેરિકામાં કોરોના વાઇરસના એક જ દિવસમાં 34,700 નવા કેસો નોંધાયા હતા. અગાઉ માત્ર બે વાર નવ અને 24 એપ્રિલે 36,400 કેસો અમેરિકામાં નોંધાયા હતા. ન્યુ યોર્ક, ન્યુ જર્સી વિસ્તારોમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે પણ એરિઝોના, કેલિફોનયા, મિસિસિપિ, નેવાડા અને ટેક્સાસમાં નવા કેસોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે.
નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ હેલ્થના વડા ડો. એન્થોની ફાઉસીએ કોંગ્રેસની હાઉસ કમિટી સમક્ષ જણાવ્યું હતું કે કેસોની સંખ્યા ઘટવા બાબતે આગામી થોડા સપ્તાહો ખૂબ મહત્વપૂર્ણ છે. તમે ટોળાંમાં કદી ન જશો. જો તમારે જવું જ પડે તો માસ્ક પહેરીને જાવ તેવી સલાહ ફાઉસીએ આપી હતી.
જ્યાં મંગળવારે 3600 નવા કેસો નોંધાયા હતા તે એરિઝોનામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વાઇરસ ચીનમાંથી આવ્યો હોવાથી તેની હાંસી ઉડાવી હતી. ફિનિક્સ શહેરના એક ચર્ચમાં આ સભા યોજાઇ તે પહેલાં મેયર કેટ ગેલાગોએ પ્રમુખને માસ્ક પહેરવાની વિનંતી કરી હતી પણ ટ્રમ્પે માસ્ક પહેર્યા વિના જ તેમનું જાહેર પ્રવચન આપ્યું હતું.
દક્ષિણ કોરિયામાં પણ કોરોના વાઇરસનું બીજું મોજું આવ્યું હોય તેમ આજે 51 નવા કેસ નોંધાયા હતા. તો મેક્સિકોમાં 800 નવા કેસ નોંધાયા હતા. ભારતના પાટનગર દિલ્હીમાં સ્થિતિ કોરોના ચેપને કારણે ગંભીર બની છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકામાં પણ કોરોના વાઇરસનો ચેપ ધરાવતાં દર્દીઓની સંખ્યા એક લાખનો આંકડો વટાવી ગઇ છે અને મોતનો આંકડો પણ 2000 પહોંચ્યો છે.
અગ્રણી મહામારી નિષ્ણાત સલીમ અબ્દુલ કરીમે જણાવ્યું હતું કે હજી મહામારીના ખરાબ દિવસો આવવાના બાકી છે. લોકડાઉનના નિયંત્રણો હળવા કરવાને પગલે છેલ્લા એક પખવાડિયામાં ચેપ અને મોતના આંકડા બમણાં થઇ ગયા છે. કરીમે જણાવ્યું હતું કે હાલના દર મુજબ જુલાઇમાં ચેપની થોડા હજાર સંખ્યા વધશે.
હજી ખરાબ દિવસો આવવાના બાકી છે તે આપણે જાણીએ છીએ. તો આપણે તમામ તૈયારી કરીને આશા રાખવાની કે આપણે વાઇરસનો સામનો કરી શકીશું. બાકી વાઇરસ અહીં જ રહેવાનો છે તે ક્યાંય જવાનો નથી. બીજી બાજુ બ્રાઝિલના ફેડરલ ન્યાયાધીશે પ્રમુખ બોલ્સોનારોને સ્થાનિક કાયદા અનુસાર જ્યારે તે જાહેરમાં દેખા તે ત્યારે માસ્ક પહેરે તેવો આદેશ આપ્યો હતો.
તાજેતરમાં બોલ્સોનારો કોંગ્રેસ અને સુપ્રીમ કોર્ટ સામે દેખાવ કરી રહેલાં લોકો સાથે માસ્ક પહેર્યા વિના જ જોડાયા હતા. જજ રેનાટો બોરેલીએ તેમના ચૂકાદામાં જણાવ્યું હતું કે પ્રમુખે માસ્ક ન પહેરીને જેના કારણે દેશમાં ઘમાસાણ મચ્યું છે તે રોગનો ચેપ લાગવાનું જોખમ ઉભું કર્યું છે. જો પ્રમુખ આ આદેશનું પાલન ન કરે તો તેમને રોજ 390 અમેરિકન ડોલરનો દંડ થઇ શકે છે.