(ANI Photo)

એક સંયુક્ત ઓપરેશનમાં ભારતીય નૌકાદળ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ મંગળવારે ગુજરાતના પોરબંદર નજીક એક જહાજમાંથી આશરે 3,300 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું, જે તાજેતરના સમયમાં આ પ્રકારની સૌથી મોટી ડ્રગ જપ્તી છે, એમ નેવીએ જણાવ્યું હતું.

મંગળવારે નેવીએ એક નાના જહાજને આંતર્યું હતું  અને ₹1,300 કરોડની કિંમતનું 3,089 કિલો ચરસ, 158 કિલો મેથામ્ફેટામાઇન અને 25 કિલો મોર્ફિન જપ્ત કરવામાં આવ્યું હતું. જહાજના પાંચ ક્રૂ સભ્યોની ધરપકડ કરાઈ હતી, જે તમામ પાકિસ્તાની નાગરિક હતા. અધિકારીઓએ હજુ સુધી જપ્ત કરાયેલા ડ્રગ્સની કુલ કિંમતનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં એક કિલો ચરસની કિંમત રૂ. સાત કરોડ હોવાનું માનવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે  NCB, ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસને “ઐતિહાસિક સફળતા” માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ” વડાપ્રધાન મોદીના ડ્રગ-મુક્ત ભારતના વિઝનને અનુસરીને અમારી એજન્સીઓએ આજે ​​દેશમાં ડ્રગ્સની સૌથી મોટી ઓફશોર જપ્તી કરવાની ભવ્ય સફળતા હાંસલ કરી છે. NCB, નેવી અને ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં 3132 કિલો ડ્રગ્સનું વિશાળ કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક સફળતા એ આપણા રાષ્ટ્રને નશામુક્ત બનાવવાની અમારી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ પ્રસંગે હું NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન આપું છું.”

ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ ઓપરેશન ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાસે અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY