ગુજરાતમાં 18-19 જુલાઇએ થયેલા ભારે ભારે વરસાદથી કુલ ૨૦૭ જળાશયોમાં ૫૪ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થવા પામ્યો હતો અને ૩૩ જળાશયો છલકાયા હતા. ૪૯ જળાશયોમાં ૭૦ ટકાથી વધુ તેમજ ૮૦ જળાશયોમાં ૨૫ થી ૭૦ ટકા સુધી પાણીનો સંગ્રહ થયો હતો. ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ ૬૪.૪૦ ટકાથી વધુ ભરાયો હતો. બુધવારે રાજ્યના ૧૬૩ તાલુકામાં અતિભારેથી હળવા વરસાદ સાથે વ્યાપક મેઘ મહેર થવા પામી હતી.
ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં મેઘ મહેર થઈ હતી. તેમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં તો બારે મેઘ ખાંગા થયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. સ્ટેટ ફ્લડ કંટ્રોલ સેલ-ગાંધીનગરના અહેવાલ મુજબ રાજ્યમાં ૧૦૦ ટકા એટલે કે છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલીના ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદના ઉમરીયા, ગીર સોમનાથના મચ્છુન્દ્રિ, જામનગરના વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-૧ અને રૂપારેલ, જૂનાગઢના ઉબેન, હસનપુર, હિરણ-૧, મોટા ગુજેરીયા, મધુવંતી, રાજકોટના વેરી, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરના મોર્શલ, વન્સલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા સહિતના જળાશયોનો સમાવેશ થાય છે.
બુધવાર સુધીના આંકડા મુજબ ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયમાં ૬૧.૧૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયમાં ૩૬.૫૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયમાં ૪૨.૨૬ ટકા, કચ્છના ૨૦ જળાશયમાં ૬૩.૬૧ ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ ૧૪૧ જળાશયમાં ૬૩.૮૫ ટકા પાણીનો જથ્થો હતો. છેલ્લા બે દિવસથી મુખ્યત્વે સૌરાષ્ટ્ર સહિતના તાલુકાઓમાં ખાબકેલા ભારે વરસાદના કારણે ચાલુ સીઝનમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૫૫.૩૦ ટકા થયો હતો. ૧૯ જુલાઇના આંકડા મુજબ સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૧૨.૩૭ ટકા વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં ૭૬.૨૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૧.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૪૪.૬૧ ટકા, પૂર્વ ગુજરાતમાં ૪૩.૫૩ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ થયો હતો.