દક્ષિણ ફિલિપાઈન્સમાં એક ફેરીમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 31 લોકોના મોત થયા હતા અને 230 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. લેડી મેરી જોય 3 નામની ફેરી મિંડાનાઓ ટાપુ પરના ઝામ્બોઆંગા શહેરથી સુલુ પ્રાંતના જોલો ટાપુ તરફ મુસાફરી કરી રહી હતી ત્યારે બુધવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. તેનાથી મુસાફરો દરિયામાં કુદી પડ્યા હતા.
બેસિલાન ક્ષેત્રના ગવર્નર જિમ હેટમેને માહિતી આપી હતી કે આ દુર્ઘટના પેસિફિક મહાસાગરમાં થઇ હતી. ફિલિપાઈન્સમાં 250 લોકોને લઈ જતી એક ફેરી આગની લપેટમાં આવી ગઈ હતી. અત્યાર સુધીના અહેવાલ અનુસાર 31 લોકોના મોત થયા હતા. રાહત અને બચાવ કામગીરી ચાલુ કરાઈ હતી. ઘણા લોકો ડૂબી કે આગની લપેટમાં આવતા મૃત્યુ પામ્યા હોવાની પણ માહિતી મળી રહી છે. તેમણે કહ્યું કે અનેક લોકો આગના ડરથી મહાસાગરમાં કૂદી પડ્યા હતા. કોસ્ટગાર્ડ, નેવી, અન્ય બોટ તથા સ્થાનિક માછીમારોની મદદથી મોટાભાગના લોકોને બચાવી લેવાયા હતા.
ફિલિપાઈન કોસ્ટ ગાર્ડ અને માછીમારો સહિત બચાવકર્તાઓએ 195 મુસાફરો અને 35 ક્રૂને બચાવી લીધા હતા. કોસ્ટ ગાર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટામાં તેના એક જહાજને સળગતી ફેરી પર પાણીનો છંટકાવ કરતી દર્શાવવામાં આવ્યું હતું. ફિલિપાઈન કોસ્ટ ગાર્ડના કોમોડોર રેજાર્ડ માર્ફેએ જણાવ્યું હતું કે, “લોકો ગભરાઈ ગયા હતા કારણ કે આગ લાગી ત્યારે તેઓ ઊંઘી રહ્યા હતા.”