એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના સોમવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ રૂ.931 કરોડની સંપત્તિ સાથે ભારતના સૌથી ધનિક મુખ્યપ્રધાન છે, જ્યારે પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી માત્ર રૂ.15 લાખની સંપત્તિ સાથે સૌથી ગરીબ છે. આ યાદીમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ કુલ 31 મુખ્યપ્રધાનોમાં 15મા ક્રમે આવે છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સામે કોઇ ગુનાહિત કેસ નથી.
છેલ્લી રાજ્યની વિધાનસભા માટે ભૂપેન્દ્ર પટેલની એફિડેવિટ મુજબ, તેમની પાસે કુલ રૂ.8.2 કરોડની સંપત્તિ અને રૂ. 1.5 કરોડનું દેવું છે. તેમણે સામાજિક કાર્યકર તરીકે સ્વ-આવક તરીકે રૂ. 16.7 લાખ પણ જાહેર કર્યા હતાં.
અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યની વિધાનસભાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનોની સરેરાશ સંપત્તિ રૂ.52.59 કરોડ છે. જ્યારે ભારતની માથાદીઠ ચોખ્ખી રાષ્ટ્રીય આવક (NNI) 2023-2024 માટે અંદાજે રૂ.1,85,854 હતી. મુખ્યપ્રધાનોની સરેરાશ સ્વ-આવક રૂ.13,64,310 છે, જે ભારતની સરેરાશ માથાદીઠ આવક કરતાં લગભગ 7.3 ગણી છે. ભારતના 31 મુખ્યપ્રધાનોની કુલ સંપત્તિ 1,630 કરોડ રૂપિયા છે.
અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ રૂ. 332 કરોડથી વધુની કુલ સંપત્તિ સાથે બીજા સૌથી ધનિક મુખ્ય પ્રધાન છે, કર્ણાટકના સિદ્ધારમૈયા રૂ. 51 કરોડથી વધુની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા સ્થાને છે.