બંગ્લાદેશમાં ભારતીય રાજદૂત રીવા ગાંગુલી દાસે સોમવારે બાંગ્લા દેશની ઉત્તરે આવેલા નટૌર જિલ્લામાં 300 વર્ષ જૂના એક મહાકાલી મંદિરના જિર્ણોદ્ધાર કાર્યનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે આઇસીટી ડિવિઝનના રાજ્ય પ્રધાન જુનૈદ અહમદ પણ હાજર હતા. આ મંદિર શ્રી શ્રી જય કાલી મંદિર તરીકે જાણીતું છે.
રીવા ગાંગુલી દાસે ટ્વીટર પર આ માહિતી આપતાં લખ્યું કે 300 વર્ષ જૂના આ મંદિરમાં મહાકાલી માતા બિરાજે છે. મંદિરના જિર્ણોદ્ધારના આરંભે નગરના મેયર શ્રીમતી ઉમા ચૌધરી જોલી અને સાંસદ શફીકુલ ઇસ્લામ પણ હાજર હતા. આ મહાકાલી મંદિરને અહીં વસતા તમામ ધર્મ કોમના લોકો માને છે.
આ મંદિરનો જિર્ણોદ્ધાર ભારત સરકારના ખર્ચે થઇ રહ્યો છે. એક વિડિયો ક્લીપમાં રીવા ગાંગુલી એમ કહેતાં જોવા મળ્યાં હતાં કે ત્રણસો વર્ષ જૂના આ મંદિરનો જિર્ણોદ્ધાર થાય એ બાબતે હું પોતે પણ સંમત હતી. એ માટે પહેલાં સ્થાનિક વહીવટી તંત્ર સાથે વિગતવાર વાતચીત થઇ હતી. સ્થાનિક તંત્રે હા પાડ્યા પછી અમે કેન્દ્ર સરકારને આ માટેનો ખર્ચ મંજૂર કરવાની વિનંતી કરી હતી. કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી.
નટૌરના લાલ બજાર વિસ્તારમાં આવેલા આ પ્રાચીન મંદિરના જિર્ણોદ્ધાર માટે એક મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડીંગ પર 2016ના ઓક્ટોબરની 23મીએ સહીસિક્કા થયા હતા એમ યુનાઇટેડ ન્યૂઝ ઑફ બાંગ્લાદેશે એક અહેવાલમાં જણાવ્યું હતું.
બંગાળી પ્રજા અને બાંગ્લા દેશમાં વસતા મોટા ભાગના લોકો મહાકાલી માતામાં માને છે. પશ્ચિમ બંગાળમાં પણ સિદ્ધ પુરુષ રામકૃ઼ષ્ણ પરમહંસ દ્વારા કાલીપૂજાનો મહિમા પહેલેથી રહ્યો હતો. કાલીઘાટ તરીકે ઓળખાતા વિસ્તારમાં આજે પણ કાલી મંદિર છે અને એનો બહુ મોટો મહિમા છે. અહીં બારેમાસ શ્રદ્ધાળુઓની ભીડ રહેતી હોય છે. જો કે હાલ કોરોનાના કારણે આ મંદિરમાં અગાઉ થતી હતી એવી ભીડ થવા દેવાતી નથી.