પાકિસ્તાન ફરી એકવાર મોટી સંખ્યામાં ભારતમાં ત્રાસવાદીઓની ઘુસણખોરી કરવાનું ષડયંત્ર ઘડ્યું છે. ગુપ્તચર માહિતી મુજબ હાલમાં સીમા પારના લોન્ચપેડ પર આશરે 250થી 300 ત્રાસવાદીઓ હાજર છે અને તેઓ ભારતમાં ધુસણખોરી કરવાની તૈયારીમાં છે. જોકે ભારતના સુરક્ષા દળો સીમા પારની ધુસણખોરીના કોઇપણ પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે એલર્ટ છે. આ અંગેની માહિતી બીએસએફના એક ટોચના અધિકારીએ આપી હતી.
દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં BSFના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે પત્રકારોને જણાવ્યું હતું કે, 250થી 300 આતંકવાદીઓ લોન્ચપેડ પર રાહ જોઇને બેઠા હોવાની ગુપ્ત માહિતી મળી છે, પરંતુ અમે અને આર્મી તમામ સંવેદનશીલ સ્થળો પર ચાંપતી નજર રાખી રહ્યાં છે. બીએસએફ અને આર્મીના બહાદુર જવાનો સરહદી વિસ્તારોમાં સતર્ક છે અને ઘુસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. ઘુસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવાનો અમને પૂરો વિશ્વાસ છે.
તેમણે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેનું જોડાણ વધ્યું છે. જો લોકો અમને સહકાર આપે તો અમે વિકાસની પ્રવૃત્તિઓને વધુ સારી રીતે આગળ વધારી શકીશું.
દરમિયાન જમ્મુ અને કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) આર આર સ્વેને શનિવારે કહ્યું હતું કે કાશ્મીર ખીણમાં છેલ્લી બંદૂકને શાંત કરવામાં થોડો સમય લાગશે. ઝીરો ઘુસણખોરી, ઝીરો આતંકવાદી ભરતી, ઝીરો દાણચોરીના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે પોલીસ સતત કામ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ ત્રાસવાદીને પ્રોત્સાહન આપતા, તેની વાજબી ઠેરવા અને મહિમા કરતા દુષ્પ્રચારને દૂર કરવાનો પણ પ્રયાસ કરી રહી છે.
વિદેશી આતંકવાદીઓ હજુ પણ એક પડકાર હોવાનું સ્વીકારીને તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક ત્રાસવાદીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આ સંખ્યા 2022માં 100 હતી, જે ચાલુ વર્ષે ઘટીને 20 થઈ છે. વિદેશી આતંકવાદીઓ છે, તેમાં કોઈ શંકા નથી. પરંતુ સ્થાનિક આતંકવાદીઓ અથવા સ્થાનિક ભરતીમાં ઘટાડો થયો છે. અમે વિદેશી આતંકવાદીઓની સંખ્યા જણાવવા માંગતા નથી. પરંતુ તેના કારણે એક પડકાર છે.
પોલીસ આતંકી હુમલાને નિષ્ફળ બનાવવા માટે કેવા પગલાં લઈ રહી છે તેવા સવાલના જવાબમાં ડીજીપીએ જણાવ્યું હતું કે અમે એક યોજના બનાવી છે. સરકારે ટેરર ઇકોસિસ્ટમને નાબૂદ કરવાની યોજના અંગે કહ્યું છે. તેમાં આતંકી પ્રવૃત્તિઓ માટે યુવાનોની ભરતી, શસ્ત્રો અને દારુગોળાના સપ્લાય. ધૂસણખારો માટેના લોજિસ્ટિક્સ સપોર્ટ અને ત્રાસવાદીઓ માટે ટાર્ગેટનો સમાવેશ થાય છે.
બરફવર્ષા પહેલા પાકિસ્તાન વધુ ત્રાસવાદીઓને ધુસવાના પ્રયાસ કરશે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે પાડોશી દેશ હંમેશા આતંકવાદીઓને ધકેલવાનો પ્રયાસ કરે છે. આ એવી બાબત છે જે આપણે બધા જાણીએ છીએ. એવા કોઈ સંકેત નથી કે પાકિસ્તાને આવી પ્રવૃત્તિઓ બંધ કરી છે. પરંતુ અમે પણ તેનો સામનો કરવા તૈયાર છીએ. અમે નિશ્ચિતપણે તેની સામે લડી રહ્યા છીએ અને તે ખૂબ જ બુદ્ધિપૂર્વક, વૈજ્ઞાનિક રીતે અને વ્યવસ્થિત રીતે કરી રહ્યા છીએ. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કાયદાનું પાલન કરતાં લોકોએ ડરવાની જરૂર નથી કારણ કે સરકાર પ્રદેશમાં કાયમી શાંતિ સ્થાપવા માંગે છે. એકવાર સુરક્ષા અને શાંતિ હશે, ત્યાં શિક્ષણ, રસ્તા, આરોગ્ય, વીજળી, આર્થિક પ્રવૃત્તિઓ હશે.
કાશ્મીરની હાલની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં રોજિંદા જીવનના અનેક પાસાઓ હળવા થયા છે. “વિદ્યાર્થીઓ શાળાઓમાં જઈ રહ્યા છે, દુકાનો ખુલ્લી છે, પર્યટન વિકસી રહ્યું છે, વેપાર-વાણિજ્ય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ચાલુ થઈ છે, જેનાથી લોકોની આવકમાં વધારો થયો છે.