ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ સોમવારે જણાવ્યું હતું કે, ‘સપ્લાય ચેઇન’ની સમસ્યાને કારણે એરલાઇન્સના ૩૦ વિમાન ઉડાન ભરી શકતા નથી. વિમાનોના મેન્ટેનન્સ અને રિપેરિંગ માટેના પાર્ટ્સ ઉપલબ્ધ નહીં હોવાને કારણે અન્ય એરલાઇન્સને પણ આ સમસ્યા નડી રહી છે.
અગાઉ પહેલી નવેમ્બરે ઉડ્ડયન ક્ષેત્રને સલાહ આપતી કંપની CAPAએ જણાવ્યું હતું કે, ૭૫ ટકાથી વધુ વિમાન મેન્ટેનન્સ અને એન્જિનની સમસ્યાને કારણે બંધ છે. આવા વિમાનો ભારતની એરલાઇન્સના કુલ વિમાનોનો લગભગ ૧૦-૧૨ ટકા હિસ્સો ધરાવે છે. વિમાનોના રિપેરિંગ માટે જે પાર્ટ્સની જરૂર છે તે વૈશ્વિક સપ્લાય ચેઇનની સમસ્યાને કારણે મળવામાં મુશ્કેલી થઈ રહી છે. આ સ્થિતિમાં એરલાઇન્સ પાસે વિમાનોની ઉડાન અટકાવવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેને લીધે એરલાઇન્સની ચાલુ નાણાકીય વર્ષની બીજા છ માસિક ગાળાની કામગીરી પર અસર થશે.
ઇન્ડિગો કેટલાક વિમાન સ્ટાફ સાથે લીઝ પર લેવાના તેમજ કામગીરીને વેગ આપવા માટે અન્ય વિકલ્પો પણ વિચારી રહી છે. સપ્ટેમ્બરમાં ઇન્ડિગોના કાફલામાં ૨૭૯ વિમાન હતા. તે રોજ ૧,૬૦૦થી ફ્લાઇટ્સનું સંચાલન કરે છે અને તેની ફ્લાઇટ્સ ૨૬ આંતરરાષ્ટ્રીય સ્થળો સહિત કુલ ૧૦૦ સ્થળ માટે ઉડાન ભરે છે.
ઇન્ડિગોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “વિશ્વભરમાં ઉડ્ડયન ઉદ્યોગ સપ્લાય ચેઇનની સમસ્યાનો સામનો કરી રહ્યો છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “ગ્રાહકોની જરૂરિયાતને પહોંચી વળવા પૂરતી ક્ષમતા તૈયાર રાખવી અમારી તાત્કાલિક પ્રાથમિકતા છે. અમે સમસ્યાના ઉકેલ માટે ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ઓઇએમ) સાથે ચર્ચા કરી રહ્યા છીએ. જેને લીધે અમારા નેટવર્ક અને કામગીરીનું સાતત્ય જાળવવામાં મદદ મળે. અમે ઓઇએમ ભાગીદારો સાથે ખર્ચ ઘટાડવાના વિવિધ પગલાં પર પણ વિચાર કરી રહ્યા છીએ. જેનો હેતુ વૈશ્વિક સપ્લાય ચેઇનની સમસ્યાને કારણે ઠપ પડેલા ૩૦ વિમાનની આર્થિક અસરને શક્ય એટલી ઓછી કરી શકાય.” ઇન્ડિગો સ્થાનિક ઉડ્ડયન માર્કેટમાં ૫૭ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે.