પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નબાવશાહ જિલ્લામાં રવિવારે બપોરે એક રેલવે દુર્ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયાં હતા અને આશરે 163 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી 31ની સ્થિતિ ગંભીર મૃત્યુઆંક વધવાની આશંકા છે. કરાચીથી રાવલપિંડી જઈ રહેલી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ખડી પડતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
દુર્ઘટનામાં ટ્રેનના કેટલાક કોચ પણ પલટી ગયા હતા અને નજીક આવેલા એક તળાવમાં પડ્યા હતા. ભારે વરસાદને કારણે ટ્રેકને નુકસાન થયું હોવાને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતા છે. રેલવે અને ઉડ્ડયન પ્રધાન ખ્વાજા સાદ રફીકે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને નવાબશાહની પીપલ્સ મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પાકિસ્તાની મીડિયાએ પાકિસ્તાન રેલવેના ડિવિઝનલ સુપરિન્ટેન્ડેન્ટ સુક્કુર મોહમ્મદુર રહેમાનને ટાંકીને જણાવ્યું છે કે ટ્રેનનાં 10 ડબ્બા પાટા પરથી ઊતરી ગયા હતા. પોલીસનું કહેવું છે કે ટ્રેનમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. નજીકની હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે.