ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની આગામી વન-ડે સીરીઝ માટે 16 સભ્યોની ટીમનીં જાહેરાત કરી દીધી છે. મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ અને ઝાય રીચર્ડસનનો લાંબા સમય પછી પુન સમાવેશ કરાયો છે. આ ટીમમાં ડેવિડ વોર્નર, એશ્ટન અગર અને પેટ કમિન્સનું નામ પણ છે જેઓ હાલમાં ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે. વોર્નર ઇજાગ્રસ્ત છે, એશ્ટન અગર સ્થાનિક ક્રિકેટ રમવા પાછો ગયો હતો જ્યારે કેપ્ટન પેટ કમિન્સ વ્યક્તિગત કારણોસર બીજી ટેસ્ટ પછી ઘરે ગયો હતો અને ત્રીજી ટેસ્ટ પછી તે વાપસી કરે તેવી શક્યતા છે.
માર્શ અને મેક્સવેલને સર્જરી કરાવવી પડી હતી અને હવે તેઓ ચાલુ ટેસ્ટ અભિયાન બાદ મુંબઈ, વિઝાગ અને ચેન્નાઈમાં ભારત સામે રમતા આતુર રહેશે. રિચર્ડસન પણ ઈજાગ્રસ્ત થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવામાં સફળ રહ્યો છે. હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે બિગ બેશ લીગની છેલ્લી મેચોમાંથી બહાર થઈ ગયો હતો અને જાન્યુઆરીની શરૂઆતથી તે રમ્યો નથી. 26 વર્ષનો આ ખેલાડી ગયા વર્ષે શ્રીલંકાના પ્રવાસ પછી ઓસ્ટ્રેલિયા માટે પણ નથી રમ્યો.
ફાસ્ટ બોલર જોશ હેઝલવુડનો ઈજાના કારણે ટેસ્ટ પછી વનડે શ્રેણીમાં પણ સમાવેશ નથી કરાયો. એરોન ફિન્ચની નિવૃત્તિ પછી પેટ કમિન્સ બીજી શ્રેણીમાં ટીમનું સુકાન સંભાળશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ઈન્દોરમાં (1-5 માર્ચ) અને ચોથી અમદાવાદ (9-13 માર્ચ) માં રમાશે. એ પછી બંને ટીમો વચ્ચે 17 માર્ચથી ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે. ભારતીય ટીમનો સુકાની રોહિત શર્મા પારિવારિક કારણોસર પ્રથમ વન-ડેમાં નહીં રમે અને તેની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા કેપ્ટન રહેશે.
પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, કેમરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ઝાય રીચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.