આવતા મહિને ત્રણ ટેસ્ટ મેચ રમવા ઈંગ્લેન્ડ આવી રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં પસંદ કરાયેલા ત્રણ ખેલાડીઓ – શિમરોન હેટમેયર, ડેરેન બ્રાવો અને કીમો પોલે કોરોનાવાઈરસના રોગચાળાના ડરે પ્રવાસમાં નહીં જોડાવાનો નિર્ણય લીધો છે.
વેસ્ટ ઈન્ડિઝે 25 સભ્યોની ટીમમાં તેમની પસંદગી કરી હતી. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે જો કે સ્પષ્ટતા કરી હતી કે, હાલના સંજોગોમાં તે ખેલાડીઓના નિર્ણય વિષે કોઈ વાંધા નહીં લે. મુખ્ય ટીમ 14 ખેલાડીઓની રહેશે અને બીજા 11 રીઝર્વ્ઝ રહેશે.
આ સીરીઝ કેટલાક નવા નિયમો સાથે રમાશે. ખાલી સ્ટેડિયમમાં (પ્રેક્ષકો વિના) રમાનારી આ સીરીઝમાં ફાસ્ટ બોલર્સ બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ નહીં કરી શકે. તે ઉપરાંત, કોઈ ખેલાડી ચાલુ મેચ દરમિયાન બિમાર પડશે, કોરોનાગ્રસ્ત જાહેર થશે તો તેની જગ્યાએ નવા ખેલાડીને ઈલેવનમાં સમાવી શકાશે.
આમાં જો કે, મર્યાદા એ રહેશે કે બિમાર ખેલાડી બેટ્સમેન હોય તો તેની જગ્યાએ બેટ્સમેન અને બોલર હોય તો બોલરની જ પસંદગી કરી શકાશે. પ્રથમ ટેસ્ટ મેચ 8 જુલાઈએ સાઉધમ્પટનમાં અને પછી બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ અનુક્રમે 16 અને 24 જુલાઈએ ઓલ્ડ ટ્રેફર્ડમાં રમાશે.