અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 14 ફેબ્રુઆરીએ ચૂંટણી પહેલા અમૂલ ડેરીના વધુ ત્રણ ડાયરેક્ટર ભાજપમાં જોડાયા હતા. તેનાથી નિયામક મંડળમાં ભાજપનું સંખ્યાબળ ૧૦ થઇ ગયું છે. નવી ગતિવિધિથી છેલ્લા દોઢથી બે દાયકાથી અમૂલ ડેરીમાં સત્તા સંભાળી રહેલા ચેરમેન રામસિંહ પરમાર અને વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારની જોડીનું ગણિત ખોરવાઇ જવાની ધારણા છે.
જીસીએમએમએફ બાદ અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની પસંદગી પણ ભાજપના મોવડી મંડળના ઇશારે થનાર હોવાનું અટકળો છે. શનિવારે અમૂલ ડેરીના ડાયરેક્ટર ખંભાતના સીતાબેન પરમાર, કપડવંજના શારદાબેન પટેલ અને મહેમદાવાદના જુવાનસિંહ ચૌહાણને ભાજપમાં જોડાયા હતા. જેથી અમૂલ ડેરીના નિયામક મંડળમાં ૧૨ પૈકી ૧૦ ડાયરેક્ટર ભાજપના થઇ ગયા છે, કોંગ્રેસ પાસે માત્ર બે ડિરેક્ટર વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમાર અને માતરના સંજય પટેલ રહ્યા છે.
અમૂલ ડેરીના ડાયરેક્ટર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ સોઢા પરમાર ભાજપમાં જોડાયાને ચારેક દિવસમાં જ વધુ ત્રણ ડાયરેક્ટર ભાજપમાં જોડાઇ ગયા હતા.