પશ્ચિમ મેસેચ્યુસેટ્સમાં બે વ્હિકલ વચ્ચેના અકસ્માતમાં કનેક્ટિકટની યુનિવર્સિટીઓમાં ભણતા ભારતના ત્રણ વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા અને ચાર ઘાયલ થયા હતા. મૃત્યુ પામેલા ત્રણ લોકોની ઓળખ પ્રેમ કુમાર રેડ્ડી ગોડા (27 વર્ષ), પાવાણી ગુલ્લાપલ્લી (22 વર્ષ) અને સાઈ નરસિમ્હા પટમસેટ્ટી (22 વર્ષ) તરીકે થઈ હતી. સાત લોકોને સાથેની ઉત્તર તરફ જતી મિનિવાન દક્ષિણ તરફ જતી પીકઅપ ટ્રક સાથે અથડાઈ હતી. પીક-અપ ટ્રકમાં માત્ર એક ડ્રાઇવર હતો. એમ અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું.
બર્કશાયર ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના નિવેદન અનુસાર શેફિલ્ડમાં મંગળવારે સવારે લગભગ 5:30 વાગ્યે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા અન્ય પાંચ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કારમાં સવાર અન્ય ચાર વ્યકિતઓ 23 વર્ષીય મનોજ રેડ્ડી ડોંડા, 22 વર્ષીય શ્રીધર રેડ્ડી ચિન્થાકુંતા, 23 વર્ષીય વિજિત રેડ્ડી ગુમ્માલા અને 22 વર્ષીય હિમા ઈશ્વર્યા સિદ્દીરેડ્ડીને સારવાર માટે બર્કશાયર મેડિકલ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા.
ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર મિનિવાનમાં સવાર છ લોકો ન્યુ હેવન યુનિવર્સિટીમાં અને એક વ્યક્તિ ફેરફિલ્ડમાં સેક્રેડ હાર્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં હતા. વાનમાં જે ચાર લોકો બચી ગયા હતા તેઓ તમામ 22 કે 23 વર્ષના હતા.
યુનિવર્સિટીએ પુષ્ટિ કરી હતી કે પ્રેમ કુમાર રેડ્ડી ગોડા સેક્રેડ હાર્ટ ખાતે કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર્સનો અભ્યાસ કરી રહ્યો હતો. યુનિવર્સિટીના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “પ્રેમના પરિવાર, મિત્રો અને તમારામાંના જેઓ તેને ઓળખતા હતા તેમના પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સહાનુભૂતિ અને પ્રાર્થનાઓ છે.” ટ્રકનો ડ્રાઈવર 46 વર્ષનો સ્થાનિક વ્યક્તિ હતો. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે.