કતલખાને ધકેલવામાં આવનાર ત્રણ આંખવાળા વાછરડાને જૈન એનિમલ સેંક્ચુરી દ્વારા £5,000ની રકમ ખર્ચીને બચાવી લેવાયું છે. સામાન્ય રીતે હિન્દુઓ ગાયને પવિત્ર માને છે અને તેમાં પણ આ વાછરડાને ત્રણ આંખો હોવાથી તેને મહાદેવનું સ્વરૂપ માની મહાદેવનું નામ અપાયું છે. આ વાછરડાને કપાળની મધ્યમાં એક ત્રીજી આંખ છે અને તે આંખ શાણપણ અને સૂઝ દર્શાવે છે એમ મનાય છે.
જૈન એનિમલ સેંક્ચુરીના નીતિનભાઈ મહેતાએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’મારા મિત્ર પરેશ રૂઘાણીએ ફોન કરી મને કહ્યું હતું કે કે વેલ્સના એક ફાર્મમાં ત્રણ આંખોવાળા વાછરડા વિશે પેપરમાં અહેવાલો આવ્યા છે. વાછરડાનો માલિક જેક જોન્સ વેલ્સમાં તેના ગોમાંસ માટેના ફાર્મના બાકીના ગૌવંશ સાથે આ વાછરડાને પણ કતલખાને મોકલવાની યોજના બનાવી રહ્યો હતો. પરેશ અને તેમના મિત્ર સતીષભાઇ પારેખ તેને કતલ ખાને જતું બચાવવા માંગતા હતા. જેથી અમે જેકનો સંપર્ક કર્યો હતો અને ત્રણ અઠવાડીયા સુધી ઘણી વિનંતીઓ કરી £5,000 આપી વાછરડાને બચાવી લીધું હતું. તે વાછરડું 25 જૂન શુક્રવારે સાંજે 4.30 વાગ્યે લેસ્ટર ગૌશાળામાં આવી પહોંચ્યું હતું. જેનું સ્વાગત નીલેશભાઇ શાહ અને તેમના પત્ની મયુરીબેન શાહ, વસંતભાઇ, નિર્મલાબેન ટાંક, સતિષભાઇ પારેખ અને ડિક્સી પટેલે કર્યું હતું. અમે તેનું નામ મહાદેવ રાખ્યું છે અને ખૂબ જ ટૂંક સમયમાં લેસ્ટર ગૌશાળામાં પૂજા સમારોહની વ્યવસ્થા કરીશું. વાછરડાને હાલમાં ગૌશાલા ઇન લેસ્ટરના શ્રી નીલેશભાઈ શાહ અને તેમના પત્ની મયુરીબહેન શાહ દ્વારા તેમની લેસ્ટર ખાતે આવેલી ગૌશાળામાં રાખવામાં આવ્યું છે.’’
નોર્થ વેલ્સના વેટ ડોક્ટર મલાન હ્યુજીસે થોડા મહિના પહેલા ક્ષય રોગની તપાસ કરતી વખતે મહાદેવની ત્રીજી આંખની તપાસ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘’આ વાછરડું બે આંખોથી જોતું હોવા છતાં ભિન્ન રીતે વર્તતું નથી. પણ તેની ત્રીજી આંખથી જોઈ શકે છે કે કેમ તે જાણવું અશક્ય છે. તેની વધારાની આંખ બહારથી બરાબર લાગે છે. ત્રીજી આંખમાં પોપચા અને પાંપણ પણ છે, અને તે ભેજવાળી છે અને સ્ત્રાવ પણ થાય છે. મને વિશ્વાસ છે કે તે સામાન્ય જીવન જીવશે.’’
જાણીતા અગ્રણી અને મહાદેવને ખરીદવામાં મદદ કરનાર નીતિનભાઇ મહેતાએ કહ્યું હતું કે ‘’આ વાછરડાનો દેખાવ તેને નોંધપાત્ર બનાવે છે અને તેની વિશિષ્ટતાને ધ્યાનમાં રાખવી જોઈએ. અમને ખૂબ જ ગર્વ થાય છે કે તેને કતલખાને જતુ બચાવી લીધું છે.’’
નીલેશભાઇ શાહે જણાવ્યું હતું કે ‘’હાલમાં મહાદેવનું આરોગ્ય સરસ છે અને તેઓ લેસ્ટર ગૌશાળામાં આનંદ અનુભવે છે.’’
2014માં, દક્ષિણ ભારતના તમિલનાડુમાં શિવા નામના ત્રણ આંખવાળા વાછરડાના સમાચાર હેડલાઇન બન્યા હતા. અને તેની પૂજા કરવામાં આવતી હતી. તે જ વર્ષે, મહારાષ્ટ્રના એક વ્યક્તિને ત્યાં પાંચ પગની એક ગાય જન્મી હતી.
નીતિનભાઈએ આ પવિત્ર કાર્ય માટે ડોનેશન આપવા સૌને વિનંતી કરી હતી. બેંકની વિગત આ મુજબ છે.
જૈન એનિમલ સેંક્ચુરી, બાર્કલેઝ બેન્ક એકાઉન્ટ નંબર: 0052 0225, સોર્ટ કોડ: 20 24 61.
ગૌશાલા ઇન લેસ્ટર, બેન્ક ઓફ બરોડા, એકાઉન્ટ નંબર 9100 4120, સોર્ટ કોડ 60-94-98.