સીએએ ધારા હેઠળ 14 બિન મુસ્લિમ શરણાર્થીને ભારતની નાગરિકતા આપવાના દિવસને ઐતિહાસિક ગણાવીને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક અત્યાચારનો સામનો કરનારાઓની દાયકાઓ લાંબી પ્રતિક્ષાનો અંત આવ્યો છે.
અમિત શાહે કહ્યું હતું કે ત્રણેય દેશોમાં ધાર્મિક અત્યાચારને કારણે ભાગી આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ભાઈ-બહેનોને ભારતીય નાગરિકતા મળવા લાગી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદી સમયે આપેલું વચન પૂરું કર્યું છે. દાયકાથી પીડાયેલા આ લોકોને ન્યાય અને અધિકારો આપવા બદલ હું મોદીજીનો આભાર વ્યક્ત કરું છું. હું મારા તમામ શરણાર્થી ભાઈઓ અને બહેનોને પણ ખાતરી આપું છું કે મોદી સરકાર CAA દ્વારા આ તમામને નાગરિકતા આપશે. મોદીની ગેરંટી એટલે વચનો પૂરા કરવાની ગેરંટી.