ચીનમાં હાહાકાર મચાવનારા ઓમિક્રોન સબવેરિયન્ટ BF.7ના ભારતમાં 22 ડિસેમ્બર સુધી કુલ ચાર કેસ નોંધાયા હતા આમાંથી એક પણ કેસ હાલમાં એક્ટિવ નથી. જુલાઈ, નવેમ્બરમાં એક-એક અને સપ્ટેમ્બરમાં બે કેસ નોંધાયા હતા. ગુજરાતમાં આ પૈકી ત્રણ કેસ હતા, જે હોમ આઈસોલેશનમાં જ સાજા થઈ ગયા હતા. અમદાવાદમાં બે અને વડોદરામાં એક કેસ હતો. આ ત્રણેય સંપૂર્ણ સાજા થઈ ગયા છે. એક દર્દી ઓડિશા રાજ્યના એક મહિલા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે તેમનો સ્ટ્રેઈન 30 સપ્ટેમ્બરે ડિટેક્ટ થયો હતો.
ગુજરાતના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં એક-એક કેસ નોંધાયા હતા, જેમાંથી એકપણ એક્ટિવ નથી. અમદાવાદમાં બે સ્થાનિક લોકો પોઝિટિવ આવ્યા હતા. ત્રીજો કેસ વડોદરા આવેલી એનઆરઆઇ મહિલાનો હતો.
હાલમાં ચીનમાં BF.7 નામના સબ વેરિયન્ટથી કોરોનાનો વિસ્ફોટ થયો છે. ભારતમાં BF.7નો પ્રથમ કેસ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા ઓક્ટોબરમાં શોધી કાઢવામાં આવ્યો હતો. અત્યાર સુધી ગુજરાતમાંથી ત્રણ કેસ નોંધાયા છે, જ્યારે એક કેસ ઓડિશામાંથી નોંધાયો છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાતમાં અગાઉ બે કેસ નોંધાયા હતા અને તાજેતરમાં 11 નવેમ્બરે એક કેસ નોંધાયો હતો. હાલમાં BF.7 વેરિયન્ટનો એક પણ એક્ટિવ કેસ રાજ્યમાં કે દેશમાં ક્યાંય નથી.