ભારતમાં ગત બે વર્ષમાં કોરોનાકાળમાં વિવિધ સરકારી પ્રતિબંધોને કારણે લગ્ન અને શુભ પ્રસંગો ઘણા ઓછા યોજાયા હતા. પરંતુ આ વર્ષે દેશમાં લગ્નસરા અને શુભપ્રસંગોની ભરમાર જોવા મળી રહી છે. ખાસ તો, લગ્ન સંબંધિત આયોજનો હવે મોટી ઈન્ડસ્ટ્રી બની ગયા છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના આંકડા મુજબ દેશમાં આ વર્ષના અંત સુધીમાં 30 લાખથી વધુ લગ્ન યોજાવાના છે અને તેનાથી 3.75 લાખ કરોડનો બિઝનેસ ઊભો થશે, જે ગત વર્ષની સરખામણીમાં 25 ટકાનો વધારો સૂચવે છે. 10-11 ટકા લગ્ન માત્ર દિલ્હીમાં જ થવાના છે.
ઉત્તર ભારતની હોટેલો લગ્ન સમારંભો માટે બૂક થઈ ગઈ છે. કોરોનાના બે વર્ષ પછી લગ્ન સમારંભના બજેટમાં વધારો જોવા મળ્યો છે પરંતુ તે સાથે મહેમાનોની યાદી ટૂંકી થઈ રહી છે. કેપીએમજીના રિપોર્ટ પ્રમાણે સરેરાશ ભારતીય તેના લગ્ન પાછળ જીવનની કમાણીના પાંચમો ભાગ (20 ટકા) ખર્ચ કરે છે. ભારતીયો લગ્ન સમારંભોમાં 5 લાખથી લઈને 5 કરોડ સુધીનો ખર્ચ કરે છે.