ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈ (ફાઇલ ફોટો). (ANI ફોટો)

ગુજરાત વિધાનસભામાં શુક્રવાર, 24 ફેબ્રુઆરીએ નાણાપ્રધાન કનુભાઈ દેસાઇએ રજૂ કરેલા 2023-24ના નાણાકીય વર્ષના આશરે રૂ.3.01 લાખ કરોડના બજેટમાં કોઇ કોઈ નવા ટેક્સ લાદવામાં આવ્યા નથી. આની સાથે હાલના ટેક્સમાં પણ કોઇ વધારો કરાયો નથી. બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ તેમજ ગ્રીન ગ્રોથ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. રાજ્ય સરકારના આગામી પાંચ વર્ષમાં માનવ સંસાધનનો વિકાસ કરવા, રાજ્યમાં અન્ય સવલતો ઉભી કરવા સહિતના વિઝનનો પણ આ બજેટમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મધ્યમ તેમજ ગરીબ વર્ગને મોટી રાહત આપતા નાણાંપ્રધાન પોતાની બજેટ પ્રવચનમાં મા કાર્ડ પર નિ:શુલ્ક મળતી મેડિકલ સારવારની મર્યાદા રૂ.5 લાખથી વધારીને રૂ.10 લાખ કરવાની જાહેરાત કરી હતી.

2023-24માં સરકારની મહેસૂલી આવક 2,07,709 કરોડ રૂપિયા રહેશે તેવો અંદાજ સરકારે વ્યક્ત કર્યો છે, જેની સામે મહેસૂલી ખર્ચ 1,98,671 કરોડ રૂપિયા રહેશે. આમ, આગામી વર્ષનું બજેટ મહેસૂલી હિસાબ પર 9,038 કરોડની પૂરાંત ધરાવતું હશે. લોન અને પેશગી સહિતનો મૂડી ખર્ચ 97,902 કરોડ રૂપિયા રહેશે, જ્યારે મૂડી હિસાબ પરની ખાધ 12,271 કરોડ રૂપિયા રહેવાનો અંદાજ છે.

નાણાપ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય માળખાકીય સુવિધાઓના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં રૂ. 5 લાખ કરોડનો ખર્ચ કરશે.

આ ઉપરાંત અમદાવાદ અને સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ માટે પણ રૂ.905 કરોડ ફાળવવામાં આવ્યા હતા. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઇક્વિટી યોગદાનને આવરી લેવા માટે રૂ. 200 કરોડની જોગવાઈ પણ રાજ્યના બજેટમાં જાહેર કરવામાં આવી હતી. વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં આઇકોનિક બ્રિજના નિર્માણ માટે પણ રૂ.100 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.

નાણાપ્રધાને બજેટમાં શિક્ષણ વિભાગને રૂ.43,651 કરોડની ફાળવણી કરી છે. મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ હેઠળ માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે રૂ.3109 કરોડની જોગવાઇ કરાઈ છે. જ્યારે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ 64 કરોડની જોગવાઈ કરી છે. ધોરણ 1 થી 8 માં RTE યોજના હેઠળ અભ્યાસ કરેલ હોય તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 8 પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તે માટે રૂ.20,000નું શાળા વાઉચર આપી સહાય કરવા રૂ. 50 કરોડની જોગવાઈ કરાઈ છે.

દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્ય બંદરો અને જળાશયોના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. નર્મદા નદી પર ભાડભુત જળાશયના નિર્માણ માટે રૂ.1415 કરોડ અને ગિફ્ટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટના વિકાસ માટે રૂ. 150 કરોડ ફાળવવામાં આવ્યા છે. બજેટમાં ગુજરાતમાં નવા ફિશિંગ બંદરો વિકસાવવા અને હાલના કેન્દ્રોને મજબૂત કરવા માટે રૂ.640 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગિફ્ટ સિટીમાં વિકાસલક્ષી પગલાં માટે રૂ. 76 કરોડ પણ આપવામાં આવ્યા છે. બજેટમાં જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે રૂ.9263 કરોડ ફાળવ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા 1600 કરોડની જોગવાઇ કરાઇ છે.

LEAVE A REPLY