પાકિસ્તાનની જેલમાં 1, જુલાઈ 2023ની સ્થિતિએ ભારતીય અથવા તો ભારતીય હોવાનું મનાતા 266 માછીમારો તથા 42 નાગરિકો કેદ છે. જ્યારે પાકિસ્તાની અથવા તો પાકિસ્તાની હોવાનું મનાતા 343 નાગરિકી કેદીઓ અને 74 માછીમારો ભારતની કસ્ટડીમાં છે. 2014થી પાકિસ્તાનમાંથી 2559 ભારતીય માછીમારોને વતન પરત મોકલાયા છે જેમાં 398 ભારતીય માછીમારો એવા પણ છે કે જેઓ આ વર્ષે પાકિસ્તાનમાંથી વતન પરત આવ્યા છે. આ અંગેની માહિતી રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી. મુરલીધરને સાંસદ પરિમલ નથવાણી દ્વારા કરાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં આપી હતી.
21 મે 2008ના રોજની સમજૂતી મુજબ ભારત-પાકિસ્તાન ‘એગ્રિમેન્ટ ઓન કોન્સ્યુલર એક્સેસ’ અંતર્ગત, બંને દેશના નાગરિકી કેદીઓ અને માછીમારો કે જેમને એકબીજાની જેલમાં કેદ કરવામાં આવેલા હોય છે તેમની યાદી દર વર્ષે 1 જાન્યુઆરી અને 1 જુલાઈના રોજ એકબીજાને આપવામાં આવે છે. પરિમલ નથવાણી પાકિસ્તાની જેલોમાં કેદ કરાયેલા ભારતીય કેદીઓ, ખાસ કરીને ભારતીય માછીમારો ઉપરાંત ભારતની જેલમાં કેદ પાકિસ્તાની કેદીઓ, પાકિસ્તાની માછીમારોની વિગતો જાણવા માગતા હતા.
આ ઉપરાંત તેઓ એ પણ જાણવા ઈચ્છતા હતા કે, અજાણતા એકબીજાની દરિયાઈ સીમા ઓળંગી જનારા માછીમારોના કિસ્સામાં કામ ચલાવવા બંને દેશના સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશોના બનેલા સમાન ન્યાયિક તંત્રની સ્થાપના જેવી કોઈ દરખાસ્ત તેમજ બંને દેશના નિર્દોષ માછીમારો માટે લાભદાયી નિવડે તે માટે આવી કોઈ વ્યવસ્થા અંગે વિચારણા માટે બંનેમાંથી કોઈ પણ સરકાર કાર્યરત છે કે કેમ? પ્રધાનના નિવેદન અનુસાર, ભારત અને પાકિસ્તાનની સરકારો દ્વારા 2008માં બંને બાજુના નિવૃત્ત ન્યાયાધીશોની બનેલી ‘ઈન્ડિયા-પાકિસ્તાન જોઈન્ટ જ્યુડિશિયલ કમિટી ઓન પ્રિઝનર્સ’ની સ્થાપના કરાઈ હતી જે કેદીઓ તથા માછીમારો સાથે માનવીય વ્યવહાર માટે પગલાં ઉપરાંત તેમની ઝડપી મુક્તિ માટે ભલામણ કરવાની હતી. આ નિવેદનમાં એવો પણ ઉલ્લેખ કરાયો હતો કે, અત્યાર સુધીમાં બંને દેશ દ્વારા આ કમિટીની વારાફરતી સાત મીટિંગનું પણ આયોજન થઈ ચૂક્યું છે.