ઓસ્ટ્રેલિયાએ આગામી સપ્ટેમ્બરમાં ઈંગ્લેન્ડના સૂચિત પ્રવાસ માટે ગયા સપ્તાહે 26 સભ્યોની ટીમની પસંદગી કરી છે, જેમાં ગ્લેન મેક્સવેલ અને ઉસ્માન ખ્વાજા જેવા ખેલાડીઓ સિવાય કેટલાક નવા ચહેરા પણ સામેલ કરાયા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)એ ટીમની જાહેરાત કરી હતી. “બાયો સીક્યોર” નિયમો હેઠળ યોજાનારા આ સંભવિત પ્રવાસમાં કામચલાઉ ધોરણે નક્કી થયેલા કાર્યક્રમ મુજબ સપ્ટેમ્બરની 4, 6 અને 8મીએ ત્રણ ટી-20 મેચ રમાશે અને તે પછી 10, 12 તથા 15મીએ ત્રણ વન-ડે ઈન્ટરનેશનલ્સ રમાશે.
તમામ મેચ સાઉધમ્પટન અને માન્ચેસ્ટરમાં રમાય તેવી ધારણા છે.આ બન્ને સ્થળોએ સ્ટેડિયમની બાજુમાં જ હોટેલ્સ આવેલી છે, જ્યાં બન્ને ટીમ તથા મેચ ઓફિસિયલ્સ અને બ્રોડકાસ્ટ ટીમની રહેવાની સુવિધા થઈ શકે તેમ છે.
સીએએ નિવેદનમાં કહ્યું, આ પ્રવાસનો હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ), ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી) અને સંબંધિત સરકારી એજન્સીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
આ પ્રવાસની ખાતરી થયા બાદ અંતિમ ટીમની પસંદગી કરાશે. સંભવિત ટીમમાં નિયમિત ખેલાડીઓ ઉપરાંત ગયા વર્ષે ઓક્ટોબરથી કોઈ મેચ નહીં રમેલા ગ્લેન મેક્સવેલ તથા ઉસ્માન ખ્વાજાનો સમાવેશ રસપ્રદ છે. મેક્સવેલે માનસિક સ્વાસ્થ્યને કારણે વિશ્રામ લીધો હતો, તો ખ્વાજા છેલ્લા કેટલાક સમયથી મર્યાદિત ઓવર્સની ફોર્મેટમાં પસંદગીનો ખેલાડી રહ્યો નથી. તેને આ વર્ષે પ્રથમવાર સીએના કોન્ટ્રાક્ટ ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું નથી.
રાષ્ટ્રીય પસંદગીકાર ટ્રેવર હોન્સે કહ્યું કે, આ ટીમ માત્ર ઈંગ્લેન્ડના પ્રવાસ માટે નહીં, પરંતુ ટી-20 વિશ્વ કપ અને 2023ના આઈસીસી વિશ્વકપને ધ્યાનમાં રાખીને પસંદ કરાઈ છે. ટીમમાં ડેનિયલ સેમ્સ, રીલે મેરેડિથ અને જોશ ફિલિપ નવા ચહેરા છે. આ ત્રણેયે બિગ બેશ લીગમાં સારૂ પ્રદર્શન કર્યું હતું.
સંભવિત ટીમઃ
સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, પેટ કમિન્સ, એરોન ફિન્ચ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, નાથન લાયન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, બેન મેકડરમોટ, રીલે મેરેડિથ, માઇકલ નેસર, જોશ ફિલિપ, ડેનિયલ સેમ્સ, ડાર્સી શોર્ટ, કેન રીચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્રયૂ ટાઈ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર તથા એડમ ઝામ્પા.