26 dead, heavy destruction due to devastating tornado in 8 states of America
અમેરિકાના દક્ષિણ અને મધ્યપશ્ચિમ વિસ્તારમાં શુક્રવાર, પહેલી એપ્રિલે ટોર્નેડો પછી અર્કાન્સાસના લીટર રોકમાં તબાહ થયેલા મકાનોની હવાઈ તસવીર REUTERS/Cheney Orr

અમેરિકાના દક્ષિણ અને મધ્યપશ્ચિમ વિસ્તારોના રાજ્યોમાં એક ડઝનથી વધુ વંટોળિયા સાથેના તોફાની હવામાનને કારણે ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા હતા. ઓછામાં ઓછા આઠ રાજ્યોમાં ચક્રવાતથી અનેક મકાનો અને બિઝનેસોને તબાહ થયા હતા. અર્કાન્સાસમાં 90,000 મકાનોમાં અને ઇલિનોઇસમાં 109,000 ઘરોમાં વીજળી ગૂલ થઈ હતી. આયોવા, મિસોરી, ટેનેસી, વિસ્કોન્સિન, ઇન્ડિયાના અને ટેક્સાસમાં વીજળીના સપ્લાયને અસર થઈ હતી.
અર્કાન્સાસ, ઇલિનોઇલ, ઇન્ડિયાના સહિતના રાજ્યોમાં વિનાશક ચક્રવાતી તોફાનથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. શ્રેણીબદ્ધ વંટોળિયા સાથે તોફાની હવામાનથી અર્કાન્સાસમાં અનેક મકાનો અને શોપિંગ સેન્ટર્સના છાપરા ઉડી ગયા હતા. ઇલિનોઇસમાં એક રોક કોન્સર્ટ દરમિયાન થિયેટરની છત ધરાશાયી થતાં 28 લોકો ઘાયલ થયા હતા.

ઇમર્જન્સી મેનેજમેન્ટ ડાયરેક્ટર જિમ પિર્ટલેએ જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાનથી ઇન્ડિયાનાના સુલિવાન કાઉન્ટીમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. મકાનોને ભારે નુકસાન થયું હતું અને કેટલાંક લોકો લાપતા બન્યા હતા. લીટલ રોક એરિયામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બે ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હતા. તેમાંથી કેટલાંકની હાલત ગંભીર હતી. અર્કાન્સાસના વિને શહેર તબાહ થયું હતું અને બે લોકોના મોત થયા હતા. ઘરો બરબાદ થયા હતા અને કાટમાળમાં લોકો ફસાયા હતા. આ શહેરમાં અંધારપટ છવાયો હતો અને રોડ પર કાટમાળ વિખેરાયેલો હતો.

સત્તાવાળાએ જણાવ્યું હતું કે ઇલિનોઇસના બેલ્વિડેરમાં વંટોળિયાથી એપોલો થીયેટરની છત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 28 ઘાયલ થયા હતા. તેમાંથી પાંચની હાલત ગંભીર હતી. દુર્ઘટના સમયે થીયેટરમાં 260 લોકો હતા. બેલ્વિડેર પોલીસ વડા શેન વુડીએ આ દ્રશ્યને અરાજકતા, સંપૂર્ણ અરાજકતા તરીકે વર્ણવ્યું હતું. આયોવામાં વિનાશક વંટોળિયા અને ઓક્લાહોમામાં ઘાસમાં આગ લાગી હતી.

સૌ પ્રથમ ચક્રવાત લીટલ રોકમાં ઉદભવ્યું હતું અને એક નાના શોપિંગ સેન્ટરને તોડી નાંખ્યું હતું. આ પછી તેને આર્કાન્સાસ નદીને પાર કરીને નોર્થ લિટર રોક અને આજુબાજુના શહેરોમાં તબાહી મચાવી હતી. આ શહેરોમાં ઘરો, બિઝનેસ અને વાહનોને ભારે નુકસાનના અહેવાલ મળે છે. પુલાસ્કી કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે નોર્થ લિટર રોકમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને બેપ્ટિસ્ટ હેલ્થ મેડિકલ સેન્ટરમાં 21 વ્યક્તિને દાખલ કરાયા હતા. નેશનલ ગાર્ડની મદદ માગી હોવાની જાહેરાત કરીને લિટર રોકના મેયર ફ્રાન્ક સ્કોટ જુનિયરે જણાવ્યું હતું કે પ્રોપર્ટીને વ્યાપક નુકસાન થયું હતું.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments