ચીનમાં કોરોના વાયરસની અસર સતત વધી રહી છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં આ વાયરસને પગલે હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું છે. ભારતના 25 વિદ્યાર્થીઓ ચીનના કોરોના વાયરસ પ્રભાવિત શહેર વુહાનમાં ફસાઈ ગયા છે. વુહાન શહેરથી આવતી પ્રત્યેક ફ્લાઈટ અને ટ્રેન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ત્યાં ફસાંયેલા 25માંથી 20 વિદ્યાર્થીઓ કેરળના છે. મહત્વની વાત એ છે કે ભારતના લગભગ 700 વિદ્યાર્થીઓ વુહાન અને તેના આજુબાજુના વિસ્તારમાં રહે છે. ચીનમાં કોરોના વાયરસના 830 કેસ સામે આવ્યા છે. ગુરુવાર સુધી આ વાયરસને કારણે 25 લોકોના મોત થયા છે.
મુંબઈમાં અધિકારીઓએ જણાવ્યું છે કે, વીતેલા 60 કલાકમાં વુહાન અને ચીનના અન્ય ભાગમાંથી પરત ફરેલા પાંચ વિદ્યાર્થીઓની તપાસ કરવામાં આવી રહી છે. જેમાંથી બે લોકોને શરદી થયેલી છે તેથી તેમને કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે હજુ સુધી કોરોના વાયરસના કોઇ લક્ષણ સામે આવ્યા નથી.
ભારત સરકારે જણાવ્યું છે કે, સાઉદી અરબામાં કામ કરતા કેરળની એક નર્સના મેડિકલ રિપોર્ટમાં કોરોના વાયરસ પોઝિટિવ રિપોર્ટ આવ્યાની ચર્ચા છે. વિદેશ રાજ્ય મંત્રી વી મુરલીધરણે ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે, કેરળની એક નર્સને અસીર નેશનલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
જો કે સાઉદી સ્થિત ભારતીય એમ્બેસેડરે જણાવ્યું હતું કે, તે કોરોના વાયરસથી પીડિત નથી તેને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી છે. ત્યારબાદ સાઉદી અરબના ડોક્ટરે પણ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે ત્યાં 100 ભારતીય નર્સોની તપાસ થઈ રહી છે.