બાંગ્લાદેશમાં હિન્દુ શ્રદ્ધાળુઓ સાથેની એક હોડી કોરોટા નદીમાં ઉંધી વળતા ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા હતા અને 12થી વધુ લોકો લાપતા બન્યાં હતા. હિન્દુ શ્રદ્ધાળુઓ સદીઓ જૂના બોડેશ્વરી મંદિર જઈ રહ્યાં હતા ત્યારે પંચગઢ જિલ્લામાં આ દુર્ઘટના સર્જાઈ હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
દુર્ગા પૂજા ઉત્સવના પ્રારંભ ગણાતા મહાલાયાના પ્રસંગે શ્રદ્ધાળુઓ હોડીમાં બેસીને બોડેશ્વરી મંદિર જઈ રહ્યાં હતા. પંચગઢ બોડા સબ ડિસ્ટ્રિક્ટના વહીવટી વડા સુલેમાન અલીએ જણાવ્યું હતું કે હોડી ઉંધી વળતા આશરે 24 લોકોના મોત થયા હતા. તેમાંથી 8 બાળકો અને 12 મહિલા હતી. કેટલાંકને સ્થાનિક હોસ્પિટલમાં મૃત જાહેર કરાયા હતા. લાપતા લોકોને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હોડીમાં આશરે 70થી 80 લોકો બેઠા હતા.
પંચગઢના ડેપ્યુટી કમિશનર ઝુહુરુલ હકે જણાવ્યું હતું કે હોડીમાં દેખિતી રીતે તેની ક્ષમતા કરતાં વધુ લોકો બેઠા હતા. દુર્ગા પૂજા દરમિયાન હજારો હિન્દુઓ બોડેશ્વરી મંદિરમાં દર્શન કરતા હોય છે. બાંગ્લાદેશના પ્રમુખ અબ્દુલ હમીદ અને વડાપ્રધાન શેખ હસીનાએ એક નિવેદન જારી કરીને રવિવારની આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું તથા બચી ગયેલા લોકોને સારવાર આપવાની અને મૃતકોના પરિવારને વળતર આપવાની સૂચના આપી હતી.દુર્ગા પૂજા બાંગ્લાદેશમાં સૌથી મોટો હિન્દુ તહેવાર છે. બાંગ્લાદેશમાં અનેક નદીઓ આવેલી છે અને દર વર્ષે હજારો લોકોના ડુબી જવાથી મોત થાય છે.