ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણી માટે મંગળવારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસના 23 જેટલા ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યાં હતા. ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવતાં પહેલા રાજકોટ શહેરમાં બે કિમીનો રોડ શો યોજ્યો હતો.
આણંદ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ મિતેશ પટેલે ચૂંટણી સત્તાવાળાઓને પોતાનું ઉમેદવારી ફોર્મ સબમિટ કર્યું ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યાં હતાં.
ભાજપના ઉમેદવારો દિનેશ મકવાણા (અમદાવાદ-પશ્ચિમ), રેખાબેન ચૌધરી (બનાસકાંઠા), ભરતસિંહ ડાભી (પાટણ), હરિભાઈ પટેલ (મહેસાણા), દેવુસિંહ ચૌહાણ (ખેડા), વિનોદ ચાવડા (કચ્છ), શોભના બરૈયા (સાબરમંઠા) અને જશુ રાઠવા (સાબરમંઠા) ઉદયપુર)એ પણ દિવસ દરમિયાન ઉમેદવારીપત્રો ભર્યાં હતા. ભગવા પક્ષે પ્રભુ વસાવા (બારડોલી), હેમાંગ જોષી (વડોદરા), મુકેશ દલાલ (સુરત), રાજેશ ચુડાસમા (જૂનાગઢ), જસવંતસિંહ ભાભોર (દાહોદ) અને નિમુબેન બાંભણિયા (ભાવનગર)ને પણ મેદાનમાં ઉતાર્યા છે, જેમણે પોતપોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા.
કોંગ્રેસના સોનલ પટેલ (ગાંધીનગર), લલિત વસોયા (પોરબંદર), ગુલાબસિંહ ચૌહાણ (પંચમહાલ), સુખરામ રાઠવા (છોટા ઉદેપુર), અનંત પટેલ (વલસાડ), જેની ઠુમ્મર (અમરેલી) અને ભરત મકવાણા (અમદાવાદ-પશ્ચિમ)એ ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારીપત્રો ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે અને 22 એપ્રિલ સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે.ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે.