ભારત અને અમેરિકાના સંબંધોના ઇતિહાસમાં 2022નું વર્ષ ખૂબજ મહત્ત્વનું રહ્યું અને આગામી વર્ષ તેનાથી પણ વધુ મહત્ત્વનું બની રહેશે, એમ રવિવારે વોશિંગ્ટનમાં ઇન્ડિયન અમેરિકન્સના સમારંભમાં વ્હાઇટ હાઉસના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.
પ્રિન્સિપાલ ડેપ્યુટી નેશનલ સીક્યોરિટી એડવાઇઝર જોન ફાઇનર જણાવ્યું હતું કે “અમેરિકા અને પ્રેસિડન્ટ બાઇડન ખરેખર બોજ વહન કરવામાં અને વૈશ્વિક એજન્ડાને આગળ ધપાવવામાં મદદ કરી શકે તેવા વિશ્વમાં ભાગીદાર શોધે છે ત્યારે ભારત અને પીએમ મોદી તે યાદીમાં ખૂબ ઊંચા સ્થાને હોય છે.” તેમણે જણાવ્યું હતું કે “અમે હમણાં જ G-20માં આવું જોયું હતું. ભારતીય વડા પ્રધાને દૂર-દૂરના દેશોના ગ્રુપ વચ્ચેના સંયુક્ત નિવેદન માટે સર્વસંમતિ સાધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અણુ મુદ્દાને લગતા જોખમો હાઇલાઇટ કરવામાં વડા પ્રધાન અને ભારત સરકારના અન્ય લોકોએ કરેલી ટીપ્પણીઓ અને કાર્યોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.”
આ કાર્યક્રમમાં અમેરિકા ખાતેના ભારતના રાજદૂત તરણજિત સિંહ સંધુએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાના આ સંબંધો વડાપ્રધાન મોદી અને પ્રેસિડન્ટ જો બાઇડન આગળ ધપાવી રહ્યાં છે.
ભારતીય સંસ્કૃતિનો સમન્વયિત સ્વભાવ દર્શાવવા ભારતીય દૂતાવાસે યોજેલા આ કાર્યક્રમમાં પ્રેસિડન્ટના વરિષ્ઠ સલાહકાર નીરા ટંડન અને સર્જન જનરલ વિવેક મૂર્તિ સહિત ટોચના અમેરિકન અધિકારીઓએ હાજરી આપી હતી.
ફાઇનરે જણાવ્યું હતું કે “અમેરિકા – ભારત સંબંધોમાં 2022નું વર્ષ ઘણું મોટું રહ્યું. અમને લાગે છે કે 2023 પણ વધુ મહત્ત્વનું હશે. અમારા એજન્ડામાં ક્વાડ સમિટ છે, ભારત પાસે G20 પ્રમુખપદ છે, તેના માટે વડાપ્રધાન મોદી સહિત અમે બધા આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતા.” G20 સમિટ દરમિયાન બંને નેતાઓએ નિર્ણાયક અને ઉભરતી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોમાં ભારત-અમેરિકા ભાગીદારીની સ્થિતિની સમીક્ષા કરી હતી. મોદીએ ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત કરવામાં સતત સમર્થન બદલ પ્રેસિડન્ટ જો બાઇડનનો પણ આભાર માન્યો હતો. વધુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે G-20ના ભારતના અધ્યક્ષસ્થાન દરમિયાન બંને દેશો તેમની વચ્ચેના સંકલનનું સ્તર જાળવી રાખશે.