કોરોના વાઇરસને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં 2022 સુધી અગાઉના સ્તર જેટલું ઉત્પાદન ફરી ચાલુ ન થવાની ધારણા છે.ડન એન્ડ બ્રેડસ્ટ્રીટ કન્ટ્રી રિસ્ક એન્ડ ગ્લોબલ આઉટલૂકના જણાવ્યા અનુસાર ત્રીજા ક્વાર્ટરમાં કેટલાંક અર્થતંત્રોમાં આર્થિક પ્રવૃત્તિમાં રિકવરી આવી છે, પરંતુ તે મજબૂત નથી. પીએમઆઇ, ગૂગલ મોબિલિટી ડેટા અને માસિક આર્થિક ડેટામાં આ સ્થિતિનું પ્રતિબિંબ પડે છે.
ડન એન્ડ બ્રેડસ્ટ્રીટના ગ્લોબલ ચીફ ઇકોનોમિસ્ટ અરુણ સિંહે જણાવ્યું હતું કે સરકારના પ્રોગ્રામ અને કામદારોની સુરક્ષા બંધ થવાથી બેરોજગારીમાં વધારો ચાલુ રહેશે. આર્થિક રિકવરીની ગતિ પણ ચોથા ક્વાર્ટરમાં ધીમી પડવાની ધારણા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2022 પહેલા વૈશ્વિક ઉત્પાદન કોરોના પહેલાના સ્તરે ન આવે તેવી ધારણા છે. ભારતમાં આરોગ્ય અંગેની ચિંતા કેટલી ઝડપથી ઘટે છે તેના આધારે આર્થિક રિકવરી આવશે, કારણ કે ભારતમાં કોરોના કેસોની સંખ્યા હજુ ટોચે પહોંચી નથી. અનલોક-4ના પ્રારંભ તથા કોરોના વાઇરસની મનોવૈજ્ઞાનિક અસર દૂર થયા બાદ અર્થતંત્રને વેગ મળી શકે છે.