સફેદ કુર્તા-પાયજામા અને વાદળી પાઘડીમાં 71 વર્ષીય મનમોહન સિંહે 22 મે, 2004ના રોજ ભારતના 14મા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતાં. 2004ની લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યાં સુધી એવું વ્યાપકપણે માનવામાં આવતું હતું કે અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળના એનડીએ સરકારને બીજી ટર્મ મળશે. જોકે ભાજપની હાઈ-પ્રોફાઈલ “ઈન્ડિયા શાઈનિંગ” પ્રચારઝુંબેશનો ફિયાસ્કો થયો હતો અને સોનિયા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના ગઠબંધનનો વિજય થયો હતો.
સોનિયા ગાંધી ભારતના વડાપ્રધાન બને તેવી પૂરી સંભાવના હતી અને કોંગ્રેસે પણ તેની તૈયારી ચાલુ કરી દીધી હતી. જોકે સોનિયા ગાંધીના ઇટાલિયન મૂળથી મોટો વિવાદ ઊભો થયો હતો. સુષ્મા સ્વરાજ અને ઉમા ભારતી જેવા બીજેપી નેતાઓએ સોનિયા ગાંધીનો જોરદાર વિરોધ કર્યો હતો. સોનિયા ગાંધી વડાપ્રધાન બને તો સુષ્મા સ્વરાજે માથું મુંડાવવાની પણ ધમકી આપી હતી.
સોનિયા ગાંધીને પણ આંતરિક વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમની આત્મકથા, વન લાઇફ ઇઝ નોટ ઇનફમાં ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને કોંગ્રેસના નેતા નટવર સિંહે સોનિયા ગાંધીના નિવાસસ્થાન પરની એક તણાવપૂર્ણ બેઠકનું વર્ણન કર્યું હતું. કોંગ્રેસના કેટલાંક વિરોધીઓએ એવો પણ દાવો કર્યો હતો કે તત્કાલિન રાષ્ટ્રપતિ એપીજે કલામે સોનિયા ગાંધીને વડાપ્રધાનના શપથ લેવડાવાનો ઇનકાર કર્યો હતો. જોકે આ દાવાને ક્યારેય સમર્થન મળ્યું નથી.
આ પછી સોનિયા ગાંધીએ એક આશ્ચર્યચકિત નિર્ણય કરીને મનમોહન સિંહનું નામ વડાપ્રધાન તરીકે આગળ ધપાવ્યું હતું.
“આકસ્મિક વડા પ્રધાન” તરીકે ઓળખાતા હોવા છતાં, ડૉ. સિંહના કાર્યકાળમાં કેટલીક મહાન સિદ્ધિઓ જોવા મળી હતી. તેમની સરકારે માહિતીનો અધિકાર (RTI), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદો (MNREGA), અને શિક્ષણનો અધિકાર (RTE) જેવા પરિવર્તનકારી કાર્યક્રમો શરૂ કર્યા હતાં. જોકે મનમોહન સિંહની બીજી ટર્મ અનેક કૌભાંડોથી ખરડાયેલી રહી હતી. જોકે વિરોધીઓએ પણ મનમોહન સિંહની વ્યક્તિગત પ્રમાણિકતા સામે ક્યારેય સવાલ ઉઠાવ્યા ન હતાં.
યુપીએએ 2014માં સત્તા ગુમાવી હતી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. તે સમયે મનમોહન સિંહે ટીપ્પણી કરી હતી કે “હું પ્રામાણિકપણે માનું છું કે ઇતિહાસ મારા માટે સમકાલીન મીડિયા અથવા સંસદમાં વિરોધ પક્ષો કરતાં વધુ દયાળુ હશે.