સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાતના 2002ના રખમણોના કેસોમાં દરમિયાનગીરીની માગણી કરતી 11 અરજીઓનો નિકાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલે પછીની ગતિવિધિને કારણે આ આ અરજીઓ સમય વિતવાની સાથે બિનજરૂરી છે
ચીફ જસ્ટિસ યુ યુ લલિતના વડપણ હેઠળની ત્રણ જજની બેન્ચે નોંધ્યું હતું કે મુખ્ય અરજીમાં તપાસ સીબીઆઇને ટ્રાન્સફર કરવાની વિનંતી છે, જેને હાઇકોર્ટે નકારી કાઢી છે. આ બાબતોની વિચારણા કર્યા બાદ કોર્ટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી)ની રચના કરી હતી. તેને 9 મુખ્ય કેસની તપાસ અને કાર્યવાહીની કામગીરી સોંપવામાં આવી હતી.
કોર્ટે જણાવ્યું હતું કે આટલો સમય વીતી ગયા પછી હવે સુનાવણીનો કોઈ અર્થ નથી. ગુજરાતનાં તોફાનો સાથે જોડાયેલા 9માંથી 8 કેસમાં નીચલી અદાલત ચુકાદો સંભળાવી ચૂકી છે. નરોડા ગામ સાથે જોડાયેલા કેસની સુનાવણી હજુ ચાલી રહી છે. આવી સ્થિતિમાં આની સાથે જોડાયેલા કોઈપણ કેસમાં સુનાવણીની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટે 24 જૂનના રોજ ઝાકિયા જાફરી તરફથી વડાપ્રધાન મોદી સામે કરાયેલી અરજીને ફગાવી દીધી હતી. આ અરજી 2002નાં ગુજરાત રમખાણમાં ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપનાર SIT સામે દાખલ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવતાં કહ્યું હતું કે ઝાકિયાની અરજીમાં મેરિટ નથી.
સુપ્રીમ કોર્ટે તીસ્તા સીતલવાડની અરજીઓ પર પણ સુનાવણી બંધ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તીસ્તીની ધરપકડ થઈ ચૂકી છે. તીસ્તાના વકીલે કહ્યું કે, તેઓ તેમનો નિર્દેશ લઈને યોગ્ય કાર્યવાહી કરી શકે છે.આ કેસની તપાસ ગુજરાત પોલીસ પાસેથી CBI પાસે કરાવવા માંગ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જ્યારે SIT ની તપાસ પૂર્ણ થઈ છે 9માંથી 8મા ચુકાદા આવી ગયા છે ત્યારે હવે ફેર તપાસની અરજીઓ ની કોઈ જરૂર નથી.
SIT તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ બેન્ચને જણાવ્યું હતું કે, નરોડા ગાંમ સંબંધિત માત્ર એક જ કેસ (નવ કેસોમાંથી)ની સુનાવણી હજુ પેન્ડિંગ છે અને તે અંતિમ દલીલોના તબક્કે છે. અન્ય કેસોમાં ટ્રાયલ પૂર્ણ થાય છે અને કેસ હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલના તબક્કે છે.