સતત ત્રણ દિવસ ભારે વરસાદના પછી ઉત્તર ભારતના વિસ્તારોમાં હવામાનમાં સુધારો થતાં સત્તાવાળાઓએ બુધવારે ફસાયેલા પ્રવાસીઓને બચાવવા, માર્ગો પર વાહનોની અવરજવર પુનઃસ્થાપિત કરવા અને પૂરના પાણીને નવા વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરી હતી.
હિમાચલ પ્રદેશના કસોલમાં ફસાયેલા 2,000 જેટલા પ્રવાસીઓનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. લાહૌલમાં ભૂસ્ખલન અને અચાનક પૂરને પગલે આશરે 300 ટુરિસ્ટ વાહનો પણ બહાર કાઢવામાં આવ્યાં હતા. કુલ્લુ-મની રોડ ખોલવામાં આવ્યા પછી ફસાયેલા આશરે 2,200 વ્હિકલ કુલ્લુમાંથી બહાર નીકળ્યાં હતા. મુખ્યપ્રધાન સુખવિન્દર સિંહ સુખ્ખુએ શનિવારથી લાહૌલ અને સ્પીતિના ચંદેરતાલ ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાની કામગીરીને પડકારજનક ગણાવી હતી. આશરે 300 ટુરિસ્ટને એરલિફ્ટ કરાયા હતા.